- રૂ.15 હજાર કરોડના મની લોન્ડરીંગ કેસના મુખ્ય આરોપી ચંદ્રાકરનો એકાદ સપ્તાહમાં કબ્જો લઇ ભારત પરત આવશે ઇડી
- મહાદેવ બેટિંગ એપના માલિકની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમ મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રાકરને એક સપ્તાહની અંદર ભારત લાવી શકે છે.
- મહાદેવ એપના માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રાકરના ડી કંપની (દાઉદ ઈબ્રાહિમ) સાથે પણ કનેક્શન છે. દેશના ઘણા રાજ્યોમાં મહાદેવ એપ વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. આ એપને લઈને ઇડીમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
5 નવેમ્બર, 2023ના રોજ કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. ઇડીની ભલામણોને પગલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69એ હેઠળ આદેશ જારી કરવામાં આવ્યા હતા. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઇડીએ એક ’કેશ કુરિયર’નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો હતો જેમાં છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને યુએઈ સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડ રૂપિયા મળ્યા હતા લેવામાં આવ્યા હતા. જોકે, બઘેલે આરોપોને ફગાવી દીધા હતા.
8 નવેમ્બર, 2023ના રોજ, મુંબઈ પોલીસે મહાદેવ બેટિંગ એપ અને તેના પ્રમોટર્સ સામે છેતરપિંડી માટે કેસ નોંધ્યો હતો. આરોપીઓ પર છેતરપિંડી અને સટ્ટો રમાડવાનો આરોપ હતો. આ મામલે માટુંગા પોલીસ સ્ટેશનમાં સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ સહિત 30થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેને બાદમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો અને બાદમાં તેની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ખરેખર, આ મામલામાં સામાજિક કાર્યકર્તાએ નીચલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એપ અને તેના પ્રમોટર્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે માટુંગા પોલીસને કેસ નોંધવા કહ્યું હતું. પોલીસે જણાવ્યું કે સૌરભ, રવિ વગેરે વિરુદ્ધ એફઆઈઆરનોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ, આરોપીઓએ લોકો સાથે લગભગ 15 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઇડીના અધિકારીઓ પોતાની ઓળખ છુપાવીને લાંબા સમયથી દુબઈમાં રોકાયા હતા. આ તમામ અધિકારીઓ સૌરભ ચંદ્રાકરના સ્થળો પર નજર રાખી રહ્યા હતા. આ પછી તક મળતા જ સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરી લેવામાં આવી હતી. ચંદ્રાકરના પ્રત્યાર્પણ એટલે કે તેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ ધરપકડના સમાચાર સામે આવ્યા બાદ રાજ્યના નાણામંત્રી ઓપી ચૌધરીએ કહ્યું કે આ એક નવો યુગ છે જ્યાં કોઈને બક્ષવામાં આવશે નહીં. ડબલ એન્જિન સરકાર માફિયા તત્વો સામે કામ કરી રહી છે. તેમણે તેને વિષ્ણુ સરકારનું સુશાસન ગણાવ્યું છે.