સીબીઆઇ કોર્ટે ચિદમ્બરમના એક દિવસના રિમાન્ડ વધાર્યા: જામીન અરજી પર આજે બપોર બાદ સુનાવણી
આઈએનએકસ મીડિયા કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં રહેલા પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા પી. ચિદમ્બરમના એક દિવસના રિમાન્ડ વધ્યા છે. તેમની જામીન અરજી પર આજે બપોર બાદ સીબીઆઈ કોર્ટ સુનાવણી કરનારી છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ કોઈપણ આરોપીના ૧૫ દિવસથી વધુ રિમાન્ડ પર રાખી શકતી નથી સીબીઆઈની આ મર્યાદાના કારણે ચિદમ્બરમના વધુ રિમાન્ડ મંજૂર થઈ શકે તેમ ન હોય આ કેસમાં વહેલો છૂટકારો થવાની સંભાવના છે. જો કે, આજ કેસમાં ઇડી ચિદમ્બરમ્ની ધરપકડ કરી શકે તેમ છે. પરંતુ, સુપ્રીમ કોર્ટે હાલમાં ઈડી દ્વારા તેમની ધરપકડ પર સ્ટે આપેલો છે.
ગઈકાલે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સીબીઆઈએ તેમને ખાસ સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. જયા તેમના વકીલ કપીલ સિબ્બલે વચગાળાની જામીન અરજી કરી ચિદમ્બરમને જામીન પર છોડવા માગ કરી હતી આ જામીન અરજીનો વિરોધ કરતા સીબીઆઈ વતી ઉપસ્થિત સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જામીન આપવાનો વિરોધ કરીને રિમાન્ડ વધારવાની માંગ કરી હતી મહેતાએ તેમની દલીલમાં જણાવ્યું હતુ કે કોઈપણ જામીન અરજી પર સીબીઆઈને નોટીસ ઈશ્યુ કરીને જવાબ માટે ૧૦ દિવસનો સમય આપવામાં આવે છે. આ નિયમ દરેક નાગરીકો માટે સમાન છે. આ કેસ કોઈ ખાસ નથી. સીબીઆઈને જવાબ આપવાનો યોગ્ય સમય મળ્યો નથી જે ન્યાયના અપમાન સમાન છે.
જેના જવાબમાં દલીલ કરતા ચિદમ્બરમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતુ કે આ કેસ સામાન્ય હોત તો તેના માટે સોલીસીટર જનરલ અહી આવ્યા ન હોત જે બાદ સીબીઆઈએ એવો દાવો કર્યો હતો કે સીબીઆઈના નિયમોનુસાર ચિદમ્બરમના ૧૫ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધારે રિમાન્ડ પર રાખી શકાય નહી દરમ્યાન સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈ કોર્ટને ચિદમ્બરમની જામીન અરજીની સુનાવણી સોમવારે નિર્ણય કરવા જણાવ્યું હતુ સીબીઆઈ કોર્ટમાં આવેલી આ સુનાવણી બાદ કોર્ટે ચિદમ્બરમની જામીન અરજી પર આજે બપોર બાદ વધુ સુનાવણી યોજવાનો નિર્ણય કરીને ચિદમ્બરમને એક દિવસના વધુ સીબીઆઈ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.
ચિદમ્બરમના ઇડી કેસમાં આગોતરા જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે ૫ સપ્ટેમ્બર સુધી રાહત આપી દીધી છે અને આ આદેશ અનામત રાખ્યો છે. ચિદમ્બરમ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ખંડપીઠ સમક્ષ દલીલ કરી હતી કે રિમાન્ડ વિરુદ્ધની અરજીની સુનાવણી થાય ત્યાં સુધી તેમને જેલ મોકલવામાં નહીં આવે. જો સીબીઆઈ ઇચ્છે તો ચિદમ્બરમને નજરકેદ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી. સોલિસિટર જનરલે સીબીઆઈ વતી જણાવ્યું હતું કે ૧૪ દિવસની અંદર કોઈને રિમાન્ડ પર લઈ શકાય છે. આવી સ્થિતિમાં ચિદમ્બરમને એક દિવસના રિમાન્ડ પર મોકલવા જોઈએ અને આ માટે અમે નીચલી અદાલતને વિનંતી કરીશું. સુપ્રીમ કોર્ટ હવે આજે સુનાવણી કરશે. સીબીઆઈ અને ઇડીએ એરસેલ-મેક્સિસ કૌભાંડ સંબંધિત કેસમાં પી.ચિદમ્બરમ અને કાર્તિની પૂછપરછ માટે બીજી કોર્ટની માંગ કરી છે. તપાસ એજન્સીએ આ બંને પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટે આ મુદ્દે આદેશ સુરક્ષિત રાખ્યો હતો.