સતત બીજા સપ્તાહે ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાતા ભારે આશ્ર્ચર્ય: અને તાવના ૨૩૭, ઝાડા-ઉલ્ટીના ૧૪૯ કેસો મળી આવ્યા
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં જાણે જાદુઈ લાકડી ફેરવી દીધી હોય તેમ સતત બીજા સપ્તાહે ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાતા લોકોમાં ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે. ખાનગી હોસ્પિટલમાં હજી ચિકનગુનિયાના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે પરંતુ મનપાના ચોપડે સતત બીજા અઠવાડીયામાં ચિકનગુનિયાનો એક પણ કેસ નોધાયો નથી તો શિયાળામાં પણ ડેન્ગ્યુનો ડંખ યથાવત રહ્યો છે અને એક સપ્તાહમાં ડેન્ગ્યુના વધુ ચાર કેસો મળી આવ્યા છે.
આ અંગે મહાપાલિકાના આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય તાવના ૨૩૭ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૪૯ કેસ, ટાઈફોઈડ તાવના ૨ કેસ, ડેન્ગ્યુના ૪ કેસ, મરડાના ૯ કેસ, મેલેરિયાના ૩ કેસ, કમરાના ૨ કેસ અને અન્ય તાવના ૧૪ કેસો મળી આવ્યા છે. શહેરમાં હજી ચિકનગુનિયાના કેસોનું પણ વધુ હોવાનું જગજાહેર છે. ચિકનગુનિયાના દર્દીઓ હજી ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે છતાં બીજા સપ્તાહે પણ મહાપાલિકાના રેકોર્ડ પર ચિકનગુનિયાનો નવો કેસ નોંધાયો નથી ત્યારે લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ચિકનગુનિયા પણ આચારસંહિતાનું પાલન કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે આરોગ્ય શાખા દ્વારા ૧૫ રેકડી, ૧૬ દુકાન, ૧૨ ડેરી ફાર્મ, ૧૪ હોટલ રેસ્ટોરન્ટ, ૧૨ બેકરી અને ૧૮ અન્ય સ્થળ સહિત કુલ ૮૭ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭ આસામીઓને નોટિસ ફટકારી ૧૧૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ૬૭,૬૯૨ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. ૪૩૭૬ ઘરોમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું. શાળા-કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૧૭૧ સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું અને મચ્છરની ઉત્પતિ સબબ ૧૦૯ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.