રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે
ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, ધીરૂભાઈ સરવૈયા, પંકજ ભટ્ટ, રાધાબેન વ્યાસ, નિલેશ પંડયા અને ષભ આહિર મેઘાણી ગીતોની રમઝટ બોલાવશે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતી-૨૮ ઓગસ્ટ ૨૦૧૮ને મંગળવારે સવારે ૯:૩૦ કલાકે એમની જન્મભૂમિ ચોટીલા (એન.એન.શાહ હાઈસ્કુલ, મનહર પાર્કની આગળ, જુની રેલવે-લાઈન પાસે) ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન થયું છે.
નવી પેઢી આપણા ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામુલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે. ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શકે તે માટે આ કાર્યક્રમ સવારે ૯:૩૦ કલાકે યોજાશે.
ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડયા અને ઋષભ આહીર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો, ભજનોની રમઝટ બોલાવશે. સુપ્રસિદ્ધ લોકકલાકાર, હાસ્યકાર ધીભાઈ સરવૈયા પોતાની આગવી શૈલીમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સુરીલું સંગીત નિયોજન છે.
કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, ભેટયે ઝુલે છે તલવાર, ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, અષાઢી સાંજના અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજુ થશે. ચાંદો ઉગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, કાન તારી મોરલી, સવા બશેરનું મારું દાતરડું, આભમાં ઝીણી ઝબુકે વિજળી, આવી ડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયા હથિયાર જેવા લોકપ્રિય લોકગીતો પણ તેમના સંગ્રહ રઢિયાળી રાતમાંથી રજુ થશે.
જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તે તેમની અંતિમ કૃતિ સોરઠી સંતવાણીમાંથી ગંગા સતી, જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ રૂપે રજુ થશે. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય તથા રાજકોટ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમના જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃતિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મુલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.