શહેરમાં હિંદુ ઉત્સવ સમિત્તિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 39 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રની પરંપરા આ વર્ષે 40 માં વર્ષે પણ જાળવવામાં આવશે. આ વખતે શિવ શોભાયાત્રાના ચાર દાયકા પૂર્ણ થયા છે ત્યારે ગુરૂવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રામાં 11 કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 11 સંસ્થાના 21 જેટલા ચલિત ફ્લોટ્સ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ, ડમરૂં, ચંદ્ર, કુંડળ, માળા, જનોઇ, છત્તર જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરવામાં આવશે. જે શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિરથી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂર્ણ થશે અને મહાઆરતી યોજાશે.
ચાલીસમાં વર્ષે પણ સરકારની કોરોનાની ગાઇડ લાઇનને અનુસરીને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ શોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ ગુરૂવારને મહાશિવરાત્રીના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનની પૂજા શહેરના 11 અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન-અર્ચન-દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યારપછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફ્લોટ તદ્ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (બે ફ્લોટ), શિવસેના (એક ફ્લોટ), સતવારા સમાજ (ચાર ફ્લોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફ્લોટ), બ્રહ્મદ્વ સમાજ (એક ફ્લોટ), ભગવા રક્ષક (બે ફ્લોટ), હિન્દુ સેના (એક ફ્લોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફ્લોટ), ઓમ યુવક મંડળ (એક ફ્લોટ), મહાદેવ કલાસીસ (બે ફ્લોટ), વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ (એક ફ્લોટ), સહિતના મંડળો દ્વારા 21 જેટલા સુંદર અને આડર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજા, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફ્લોટ્સ જોડાશે.