ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાતો છોટા શકીલ આ વર્ષના જાન્યુઆરીમાં જ મરી ચુકયો છે તેવો ખુલાસો હિન્દુસ્તાન ટાઈમ્સ પાસેની એક ઓડીયો કલીપથી થયો થયો છે. શકીલના મોતને લઇને બે પ્રકારની વાતો વહેતી થઇ છે. એક તો શકીલને હાર્ટએટેક આવ્યો કે તેને આઇએસઆઇએ પતાવી દીધો છે. સાથીદારના મોતથી દાઉદ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો અને બે વખત હોસ્પિટલમાં પણ દાખલ થયો હતો.
થોડા દિવસો પહેલાં શકીલ દાઉદ ગેંગથી છુટા પડી ગયાના અહેવાલ હતા. ત્યાર બાદ આ પ્રકારના અહેવાલથી અંધારી આલમમાં ધ્રાસકો પડી ગયો છે. વિગતો અનુસાર આ વર્ષના ૬ જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં છોટા શકીલનું મોત થયુ હતુ. સમાચાર છે કે પ૭ વર્ષનો છોટા શકીલ જાન્યુઆરીમાં એક મીટીંગમાં સામેલ થવા માટે પોતાના સભ્યો સાથે ઇસ્લામાબાદ ગયો હતો જયાં તેને એટેક આવ્યો હતો જે પછી તેને રાવલપીંડીની હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ત્યાં પહોંચતા જ તેનુ મોત થઇ ચુકયુ હતુ તો બીજા એક વર્ઝન મુજબ જયારે શકીલ ઇસ્લામાબાદમાં હતો ત્યારે આઇએસઆઇએ તેની હત્યા કરાવી નાંખી હતી કારણ કે આઇએસઆઇ માટે શકીલ મેનેજ કરવાનુ મુશ્કેલ થતુ હતુ.
શકીલના મૃતદેહને બે દિવસ સુધી શબઘરમાં રખાયો હતો અને બાદમાં સી-૧૩૦ ટ્રાન્સપોર્ટ વિમાન થકી તેને કરાંચી લઇ જવાયો હતો અને ત્યાં જ તેને દફન કરી દેવાયો હતો. શકીલ તેની બીજી પત્નિ આયેશા સાથે ડીએચએ કોલોની, ૧પમી લાઇનના ડી-૪૮ ફલેટમાં રહેતો હતો. છોટા શકીલની દફનવિધિ બાદ આયેશા અને પરિવારના અન્ય સભ્યોને ઘરમાંથી આઇએસઆઇ અન્ય સુરક્ષિત જગ્યાએ લઇ ગયુ હતુ.
છોટા શકીલના પરિવારમાં બે પત્નિ, એક પુત્ર, બે પુત્રી અને એક દાદી છે. શકીલની ગેંગના સભ્ય બીલાલ અને શકીલના મુંબઇમાં રહેતા કોઇ સગાની વચ્ચે વાતચીત રેકોર્ડ થયેલી છે જો કે આ મામલામાં અત્યાર સુધી કોઇ નક્કર પુરાવા નથી મળ્યા તો બીજી તરફ દિલ્હી-મુંબઇ સ્થિત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના અધિકારીઓ પણ આ સમાચારને નથી સ્વીકારતા કે નથી નકારતા.