ભકતો શિવ ભકતમાં બન્યા લીન: મંદિરો બમબમ ભોલેના નાદથી ગુંજયા
જામનગર શહેર છોટીકાશીથી ઓળખાય છે અને શહેર સહિત તાલુકા અને જિલ્લામાં અનેક પૌરાણાકિ અને પ્રાચીન શિવ મંદિરો આવેલા છે ત્યારે આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે અને સવારથી મંદિરોમાં ભકતોની લાંબી લાઇનો જોવા મળી હતી અને બમ..બમ..ભોલેના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠયા હતાં.
શહેરમાં મોટી સંખ્યામાં શિવ મંદિરો આવેલા છે અને જેમાં પ્રાચિન અને પૌરાણિક મંદિરોની સંખ્યા મોટા પ્રમાણમાં છે ત્યારે ગુરૂવારથી શરૂ થયેલ શ્રાવણ માસને લઇને ભકતો અનેરોધ થનગનાટ જોવા મળ્યો છે. જેમાં ભીંડભજન, સિધ્ધનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં સવારથી ભકતોની લાંબી લાઇનો જોવા મળી હતી અને શિવને રીઝવવા માટે ચાર પ્રહરની આરતી, જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક તથા રાત્રે ભજન-સત્સંગના કાર્યક્મો ધમધમશે અને ભકતો દ્વારા આખો મહિનો એકટાણા તથા સોમવારના પણ એકટાણા કરી ધન્યતા અનુભવશે તથા શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં લઘુરૂદ્ર, મહાઋદ્રી, શિવમહાપુરાણનું વાંચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આમ છોટીકાશીમાં શ્રાવણ માસને લઇને ભકતોમાં અનેરો ઉત્સાહ સાથે આનંદ છવાયો છે.