પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કોર્પોરેશન દ્વારા દર્શન રાવલની “સુનહરી સાંજ” કાર્યક્રમ યોજાશે: મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ઘોષણા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સ્પોર્ટ્સ એક્ટિવીટી, સાયક્લોથોન, ફ્લાવર શો, આતશબાજી ઉપરાંત વિવિધ તહેવારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. 73માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર દર્શન રાવલની સંગીત સંધ્યા “સુનહરી સાંજ” ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેવી સત્તાવાર જાહેરાત આજે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર-ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઇ પીપળીયાએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી અર્થાત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ખ્યાતનામ પ્લેબેક સિંગર દર્શન રાવલની “સુનહરી સાંજ” સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
રેસકોર્ષ સ્થિત રમેશભાઇ પારેખ ઓપન એર થિયેટર ખાતે આગામી ગુરૂવારે રાત્રે 8:30 કલાકથી આ ‘સુનહરી સાંજ’ સંગીત સંધ્યા કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં શહેરીજનોને ઉમટી પડવા માટે હાંકલ કરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દર્શન રાવલએ છોગાળા તારા…., મે વો ચાંદ…, તેરી આંખો મેં…, બેખૂદી…, હવા બનકે.., પહેલી મહોબ્બત, તુ મિલિયા સારી કી સારી…, મહેરમા…, તેરા ર્જીક…, કમરીયા…, કભી તુમ્હે.., ઇસ કદર…, કેસરિયા તેરા…, એક તરફા…, નયનને બંધ રાખીને…., ઓઢણી જેવા ગીતો ગાયને સંગીતરસીકોનું મન મોહી લીધું છે. દર્શન રાવલ માત્ર હિન્દી ગીત ગાવામાં માહેર છે તેવું નથી. તે ગુજરાતી ગીત પણ ખૂબ જ સારા ગાય છે. ‘સુનહરી સાંજ’ સંગીત સંધ્યાએ દેશભક્તિના ગીતોની પણ રમઝટ જામશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વ ઉપરાંત ગુજરાત રાજ્યની સ્થાપના દિને, રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિને, હોળી-ધૂળેટીના પર્વએ સંગીત સંધ્યા યોજવામાં આવે છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ધ્વજ વંદન કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાશે. જેમાં મેયર ડો.પ્રદિપ ડવ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આગામી ફેબ્રુઆરી માસમાં કોર્પોરેશન દ્વારા વિવિધ સાયકલ ક્લબના સહયોગથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવશે.