આડા સંબંધના કારણે આંખમાં મરચુ છાટી દોરડાથી ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત: સીસીટીવી ફૂટેજના આધારે એસ.ઓ.જી.ને મળી મહત્વની સફળતા
આટકોટ કરમાળ પીપળીયા નજીક થયેલી યુવાનની હત્યાનો ભેદ રાજકોટ ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખીને ગુનામાં સંડોવાયેલા છ શખ્સોની ધરપકડ કરી છે. આડા સંબંધોની શંકામાં આ હત્યા થયાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. હત્યાનો ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાએ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું જાણવા મળે છે.
ગત તા.૩૧.૧ના રોજ આટકોટના કરમાળ પીપળીયા પાસેથી શૈલેષ અરજણ ડાભી નામના યુવાનની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસની તપાસ દરમિયાન કરમાળ પીપળીયા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં મૃતકનું વાહન તથા તેમાં અન્ય પાંચ શખ્સો બેઠા હોવાનું જોવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને ચોકકસ બાતમીનાં આધારે આ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી કેશુ જીવા રોજાસરાએ જણાવ્યા મુજબ પોતાની પત્ની સાથે મૃતક શૈલેષને આડા સંબંધ હોવાની શંકા હોવાથી કેશુએ તેના અન્ય સાગરીતો સાથે મળીને પૂર્વયોજીત કાવત‚ રચી શૈલેષને બનાવના સ્થળે બોલાવ્યો હતો. જયાં તેની આંખમાં મરચાની ભૂંકી છાંટી તેને દોરડા વડે ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે આ મામલે કેશુ જીવા કોળી ઉપરાંત, જીવન શંભુ પટેલ, પપ્પ રામસંગ આદિવાસી, વિકાસ તોલીયા આદિવાસી, મનો ભૂ‚ આદિવાસીને પંકેશ માંજુસિંહ આદિવાસીની ધરપકડ કરી છે.જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એમ.એન. રાણા, પીએસઆઈ, વાય.બી.રાણા, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ અને અતુલભાઈ સહિતના સ્ટાફે હત્યાનો ભેદ ઉકેલી ઝડપેલા છ શખ્સો પાસેથી દોરડુ અને મરચાનો પાઉડર કબ્જે કર્યા છે.