માણાવદરના યાત્રાધામ એવા સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ છપ્પનભોગ – અન્નકોટના દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને ગોવર્ધનનાથજીના દર્શનનો લહાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે સાત વર્ષના હતા ત્યારે વ્રજવાસીઓ દ્વારા ઈન્દ્રમહ- મહોત્સવ ની તૈયારી થતી જોઈ અને ઇન્દ્ર ઉત્સવને બદલે ગીરીરાજ ઉત્સવ ચાલુ કરાવ્યો.
વ્રજવાસીઓ પોતપોતાના ઘેરથી બનાવીને લાવેલી જુદી જુદી વાનગીઓનો ભંડાર ગિરિરાજજી ગોવર્ધનને સમર્પણ કર્યો હતો અને ગિરિરાજજીની પરિક્રમા કરી હતી આખો કોટ વાનગીઓથી ભરાઈ ગયો હતો એટલે તેનું નામ અન્નકોટ પડ્યું છે.
આજે દેવ દિવાળીએ માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મોહન પ્રકાશદાસજી તથા તમામ સંતો દ્વારા ભગવાન ગોવર્ધનનાથજીને 56 જાતની વાનગીઓ ધરવામાં આવી હતી. આ મહોત્સવ દર વર્ષે કારતક સુદી એકના દિવસે ધરાય છે. પણ આ વર્ષે અમાસી સૂર્યગ્રહણ હોવાથી આ ઉત્સવ દેવ દિવાળીના દિવસે રખાયો હતો. બપોરના ૧૨ થી સાંજ સુધી આ દર્શન ચાલુ રહેશે એમ કોઠારી સ્વામી મોહન પ્રકાશદાસજીએ હરિભક્તોને જણાવ્યું છે અને દર્શનનો લાભ લેવા આગ્રહ કર્યો છે.