જસદણ તાલુકા પંચાયતના આગામી બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખ અંગેના ફોર્મ ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ તરફથી ફકત બે ફોર્મ રજુ થતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા હતા. આગામી તા.૨૦ જુનના રોજ જસદણ તાલુકા પંચાયતના આગામી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી હતી અને મંગળવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ૨૨ માંથી ૧૯ સભ્યોનું સંખ્યાબળ ધરાવતી જસદણ તાલુકા પંચાયતની ચુંટણીનું ફોર્મ રાજકોટથી આવેલા કોંગ્રેસના નિરીક્ષક વશરામભાઈ સાગઠિયાએ પ્રમુખ તરીકે છગનભાઈ કણબી પટેલ અને ઉપપ્રમુખ તરીકે જયાબેન કોળી પટેલનું ફોર્મ ભરાવેલ હતું.
આ બંને ફોર્મ સામે અન્ય કોઈ ફોર્મ ન ભરાતા બંને બિનહરીફ થયા હતા. આજે બુધવારે સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં ચુંટણી છે તે માત્ર ને માત્ર ઔપચારીક બની રહેશે. બંને હોદેદારો બિનહરીફ થતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે એ નોંધનીય છે કે અઢી વર્ષ પહેલા જસદણ તાલુકા પંચાયતની ચુંટણી યોજાય ત્યારે કોંગ્રેસના ૧૯ અને ભાજપના ૩ સભ્યો ચુંટાયા હતા. હાલ જસદણ તાલુકા પંચાયતમાં મુખ્ય સ્થાન કણુબી પટેલ સમાજને આપ્યું છે અને હવે આગામી દિવસોમાં કારોબારી અધ્યક્ષનું સ્થાન કોંગ્રેસ, ઈતર સમાજમાંથી આપશે પલ્લુ સમતોલ રાખશે તેમ જાણવા મળે છે.