1200 થી વધુ જૈન દેરાસરો ધરાવતા
રાજકોટથી 35 બસો દ્વારા યાત્રાળુઓ સાથે હજારો શ્રધ્ધાળુ ભાવિકો જોડાશે
શેત્રુંજય પર્વતના 3501 પગથીયા ચડીને ફક્ત ઢેબરા તેરસના ખુલ્લા રહેતા કેડી રસ્તા પર આ યાત્રા યોજાશે
જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉની યાત્રાનો પ્રારંભ પાલીતાણા તળેટી ખાતે રવિવારે વહેલી પરોઢે થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રા દર વર્ષે ફાગણ શુદ તેરસના રોજ ઉજવાય છે. આ યાત્રામાં લાખો જૈન-જૈનેતર ભાવિકો ઉપરાંત દેશ-વિદેશના યાત્રાળુઓ પણ જોડાશે. ફક્ત રાજકોટ શહેરમાંથી જ 30 થી 35 લક્ઝરી બસો દ્વારા યાત્રાળુઓ પાલીતાણા પહોંચશે.
રાજકોટથી છેલ્લા 41 વર્ષ થયા એટલે કે 1983 થી કોઇપણ જાતના વિઘ્ન, કોઇપણ જાતના ડોનેશન કે ફંડફાળા વગર ફક્ત ટોકન ચાર્જથી જ 4 થી 5 બસોમાં જૈન અને જૈનેતર ભાવિકોને છ ગાઉ યાત્રા કરાવતા જૈન શ્રેષ્ઠી અને જૈન જાગૃતિ સેન્ટરના પૂ.પ્રમુખ મહેશભાઇ મહેતાનું આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા દર વર્ષે સન્માન કરી શાલ ઓઢાડવામાં આવે છે.
એક લોક વાયકા મુજબ ફાગણ શુદ તેરસના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બંને પુત્રો શામ્બ અને પ્રદ્યુમન મુનિઓ સાથે અનસન વ્રત કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદક્ષીણા કરીને ‘મોક્ષગતી’ને પામ્યા હતાં. તેથી આજના દિવસનું વિશેષ મહત્વ છે.
શેત્રુંજય પર્વત ઉપર 3501 પગથીયા ચડીને ફક્ત આજના પવિત્ર દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરીને આદેશ્ર્વર દાદાના પક્ષાલનું જલ જે કુંડમાં આવે છે તેના દર્શન કરી, તિર્થકર અજીતનાથ સ્વામી તથા શાંતિનાથ સ્વામીની દેરીએ યાત્રાળુઓ શાંતિ સ્ત્રોતનું સ્મરક કરે છે. ચંદન તલાવડીએ ઉકાળેલા પાણીનો પ્રસાદ લઇ, હસ્તગીરી અને શિધ્ધશીલા ગુફા, સુરજ કુંડના દર્શન કરી કેડી રસ્તે સિધ્ધવડ, આદપુર ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્યાએ ઉભા કરાયેલ 96 પાલમાં યાત્રાળુઓ પહોંચશે. યાત્રા દરમ્યાન રસ્તામાં ઠેર-ઠેર મેડીકલ સ્ટાફની વ્યવસ્થા, ઉકાળેલા પીવાના પાણીની વ્યવસ્થા, કોલોનવોટર મિશ્રીત ઠંડા નેપકીન, પાણીના ફૂવારા તેમજ રસ્તામાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં આવે છે.
કુલ 35 જેટલા ડોમમાં યાત્રાળુઓનું પગના અંગૂઠા ધોઇને બહુમાન કરી, કુમકુમ તિલક કરી, ચલણી સિક્કાઓ દ્વારા બહુમાન કરવામાં આવે છે. દરેક યાત્રાળુઓને અંદાજીત 50 થી 60 સિક્કાઓનું અનુદાન મળે છે. યાત્રાળુઓમાં રકમનું દાન ગૌશાળાની દાનની પેટીઓમાં પધરાવી દેતા હોય છે.
શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના સીનીયર મેનેજર અપૂર્ણ રમણલાલ શાહ, ટ્રસ્ટી શ્રીપાલભાઇ રસિકલાલ, કલ્પેશભાઇ શાહ, ભાવનગરના મનિષભાઇ શાહ વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે. ભાવનગર કલેક્ટર, પાલીતાણા નગર પાલીકાના પ્રમુખ, ડી.વાય.એસ.પી., હોમગાર્ડ, મેડીકલ સ્ટાફ પણ આખો દિવસ ખડે પગે સેવાઓમાં જોડાશે.
રવિવારે દરેક પાલમાં (ફુડ સ્ટોલમાં) શુધ્ધ જૈન વાનગીઓમાં ઢેબરા-દહિં, સેવા ગાંઠીયા પૂરી, પપૈયાનો સંભારો, લીલી-કાળી દ્રાક્ષ, તરબુચ, ચા-દૂધ, તજ લવીંગના ઉકાળા, રાજસ્થાની લચ્છી, વળીયારીનું શરબત વિ.વાનગીઓ નમ્રતાપૂર્વક, આતિથ્ય ભાવથી આખો દિવસ પિરશવામાં આવે છે. સાંજના 5 થી 6 ચૌ વિહાર સમયે રોટલા, કઢી, શાક, ખીચડી, દહિં તેમજ સવારે 8 વાગે નવકારશીમાં ચા-દુધ-ગાંઠીયા, દહિં પુરીનો નાસ્તો પિરશવામાં આવે છે.
છ ગાઉ યાત્રા દરમ્યાન કુલ 1250 જેટલા નાના-મોટા દેરાસરોના દર્શનનો લાભ લેવા ભારતમાંથી તેમજ વિદેશથી ભાવિકો ઉમટશે. મુંબઇ, રાજસ્થાન, કલકત્તા, બરોડા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, શિહોર, દિયાવર, ડભોઇ, લતીપર, ચેન્નાઇ, ભાવનગર, લીંબડી, વિ.સેન્ટરો પોત પોતાના પાલમાં નિ:શુલ્ક સેવાઓ આપશે.
જૈનોની આ ભાવયાત્રાનું નામ છ ગાઉ કેમ પડ્યું?
પાલીતાણાની આ યાત્રા તળેટીથી શરૂ થઇને કેડી રસ્તે સિધ્ધવડ પહોંચે તે માર્ગ આશરે 16 કિલોમીટરનો છે. જે દેશી માપ પ્રમાણે છ ગાઉ થાય. તેથી વર્ષો પહેલા આ યાત્રા છ ગાંઉ તરીકે ઓળખાય છે.