દુનિયાભરમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીની આફત આવી કે માનવી તેનાથી બચવા માટે વલખા મારી રહ્યો છે. વિક્સીત દેશો હોય કે પછી અલ્પવિક્સીત દેશો હોય તમામ દેશોને કોરોનાની એવી થપાટ લાગી કે તેનાથી હજુ કળ વળી નથી. દુનિયાની નજર કોરોના વેક્સીન પર હતી પરંતુ વેક્સીન આવ્યા બાદ પણ કોરોના સંક્રમણ ફેલાવાનું બંધ થતું નથી. એક પછી એક કોરોનાની સૌથી ઘાતક ત્રીજી લહેર ચાલુ થઇ ગઇ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત યુરોપમાં થઇ ગઇ છે. સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે યુરોપના અનેક દેશોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. ભારતમાં બીજી લહેર શરૂ થતા જ એક્ટિવ કેસનો આંકડો 12 લાખથી વધુ થઇ ગયો છે. હોસ્પિટલોમાં બેડ ખુટી રહ્યાં છે, સ્મશાનમાં અંતિમવિધિ માટે લાઇનો લાગી રહી છે. એવામાં સવાલ એ થાય કે શું ભારત કોરોના મહામારીની ત્રીજી લહેર માટે તૈયાર છે ખરો..?
યુરોપના વિવિધ દેશ ઇટલી, ફ્રાંસ, જર્મની, પોલેન્ડ અને બેલ્જીયમ સહિતના દેશોમાં કોરોના નવા કેસની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. આ તમામ દેશોમાં કોરોના સંક્રમણની ટકાવારી સૌથી વધુ છે. યુરોપમાં ગત સપ્તાહમાં આઠ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જે અગાઉના સપ્તાહથી 5.8 ટકા વધુ છે. આ પાછળ કોરોનાની ત્રીજી લહેર એટલે કે નવા વેરિએન્ટને જવાબદાર ગણવામાં આવી રહી છે. સંક્રમણના કેસ વધતા મોટાભાગના દેશોમાં લોકડાઉન અને કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. અહીંના નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરથી બચવું હોય તો લોકડાઉન જરૂરી છે.
ત્રીજી લહેર કેટલી ઘાતક?
ફ્રાંસમાં ડિસેમ્બર 2020માં કોરોના કેસમાં ઝડપથી ઘટાડો થયો હતો પરંતુ જાન્યુઆરી બાદ તેમાં ચિંતાજનક વધારો આવ્યો છે. રાજધાની પેરિસમાં ICU લગભગ ફૂલ થઇ ગયું છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે દિવસ અને રાતે દર 12મી મિનિટે પેરિસમાં એક કોરોના દર્દી આઇસીયુમાં ભરતી થવું પડી રહ્યું છે. સ્થિતિ એટલી વકરી રહી છે કે હવે ડોક્ટરો નેશનલ લોકડાઉન લગાવવા દબાણ કરી રહ્યાં છે.
ઇટલીમાં સોમવારે અંદાજે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. માત્ર જરૂરી કામ માટે જ ઘરેથી બહાર નીકળવાની છૂટ આપવામાં આવી છે. ગત સપ્તાહમાં ઇટલીમાં રોજના 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં હતા. વડાપ્રધાન મારિયો ડ્રાગીએ વધતા કેસને જોતા નિવેદન આપ્યું કે કોરોનાની શરૂઆતની સ્થિતિની યાદ આવી ગઇ છે. ફરી એકવાર કોરોના મહામારી કહેર ન મચાવે તે માટે પૂરતા પગલા લેવામાં આવશે.