- રાજસ્થાન સામેની રણજી મેચમાં પુજારાએ સદી ફટકારી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું
Sports News
કંગાળ ફોર્મનાં કારણે ભારતીય ટીમમાંથી છેલ્લા ઘણા સમયથી બહાર ફેંકાયેલા ધ વોલ ચેતેશ્વર પુજારાએ ટીમ ઈન્ડીયામાં વાપસી કરવા માટે મજબૂત દાવેદારી કરી રહ્યો છે. રણજી ટ્રોફીમાં બેટ વડે પુજારા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિરાટ કોહલી, કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં ઈગ્લેન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટમાં પુજારાનો સમાવેશ ભારતીય ટીમમાં કરવામાં આવે તેવી સંભાવના વધુપ્રબળ બની જવા પામી છે.
રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં ટીમ ઈન્ડીયાની ધ વોલ ગણાતી ચેતેશ્વર પુજારાએ બેવડી સદી અને બે અર્ધી સદી ફટકારી ચૂકયો છે. દરમિયાન ગઈકાલથી જયપૂર ખાતે રાજસ્થાન અને સૌરાષ્ટ્ર વચ્ચેની ચાર દિવસીય રણજી ટ્રોફી મેચમાં ચેતેશ્વર પુજારાએ સૌરાષ્ટ્રની ટીમને મુસીબતમાંથી બહાર કાઢી હતી 230 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 110 રન ફટકાર્યા હતા. રણજી ટ્રોફીમાં ચેતેશ્વરની 23મી સદી છે. જયારે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં 62મી સદી ફટકારી હતી. પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે ચાર વિકેટના ભોગે 89.3 ઓવરમાં 242 રન બનાવ્યા હતા.હાલ ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ ઈજાની સમસ્યાનો સામનો કરી રહી છે. વિરાટ કોહલી અંગત કારણોસર ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી રમતો નથી બીજી તરફ ટીમના આધારભૂત ખેલાડીઓ કે.એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા અને શ્રૈયસ અય્યર ઈજાગ્રસ્ત છે. આવામાં પસંદગીકારો પણ હાલ મુંઝવણમાં મૂકાયેલા છે.
રાજકોટ ખાતે આગામી 15 થી 19 ફેબ્રુઆરી વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું નથી. રાજસ્થાન સામેની રણજી મેચમા સદી ફટકારી ચેતેશ્વર પુજારાએ ભારતીય ટીમમાં વાપસી માટે મજબૂત દાવેદારી કરી છે.ઘર આંગણે રમાનારી ઈગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારાની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવે તેવી સંભાવના મજબૂત બની રહી છે.