એડીલેડ ટેસ્ટમાં એક તબકકે ટીમ ઈન્ડિયાએ ૮૬ રનમાં ૫ વિકેટો ગુમાવી દીધી હતી: ચેતેશ્વર પુજારાના ૧૨૩ રન: પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર ૨૫૦/૯
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એડીલેડના ઓવેલ ગ્રાઉન્ડ ખાતે શ‚ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સૌરાષ્ટ્રના રન મશીન અને ટીમ ઈન્ડિયાની ધ વોલ ગણાતા ચેતેશ્ર્વર પુજારાની શાનદાર સદીએ ભારતની લાજ બચાવી છે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે એક તબકકે ૮૬ રનમાં ૫ વિકેટો ગુમાવી દીધી હતી. જોકે ચેતેશ્વર પુજારા ૧૨૩ રનના કારણે પ્રથમ દિવસે ભારતનો સ્કોર ૯ વિકેટના ભોગે ૨૫૦ રને પહોંચી શકયો છે.
આજથી એડીલેડ ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર ૧૫ રને પહોંચ્યો હતો ત્યાં જ ઓપનર લોકેશ રાહુલ અને મુરલી વિજય પેવેલિયનમાં પરત ફર્યા હતા.
ટીમ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા અંગત ૩ રનના સ્કોરે વિરાટ કોહલી પણ આઉટ થઈ જતા ૧૯ રનમાં ભારતની ૩ વિકેટો ધરાશાઈ થઈ હતી. ૪૧ રને અજીંકય રહાણે અને ૮૬ રને રોહિત શર્મા આઉટ થતાં ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ત્યારે એવું લાગતું હતું કે, ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઈનીંગમાં ભારત નજીવા જુમલે ઓલ આઉટ થઈ જશે. જોકે ટીમ ઈન્ડિયાની વોલ ગણાતા ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયન બોલરોનો મકકમતાપૂર્વક સામનો કર્યો હતો અને શાનદાર સદી ફટકારી ભારતનો રકાશ ખાડયો હતો. ચેતેશ્વર ૨૪૬ બોલમાં ૭ ચોગા અને ૬ છગ્ગા ફટકારી અંગત ૧૨૩ રનના સ્કોરે રન આઉટ થયો હતો. ચેતેશ્વર ઉપરાંત રોહિત શર્માએ ૩૭, રીષભ પંતે ૨૫ અને આર.અશ્વીને ૨૫ રન બનાવ્યા હતા. ઓવેલ ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે ૯ વિકેટના ભોગે ૨૫૦ રન બનાવ્યા છે.