વિરાટ કોહલીએ ૮૨ અને રોહિત શર્માએ અણનમ ૬૩ રન ફટકાર્યા: બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે ૮ રન
મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં આજે ભારતે ચેતેશ્વર પુજારાની આકર્ષક સદી, શુકાની વિરાટ કોહલી તથા રોહિત શર્માની અર્ધ સદીની મદદથી પ્રથમ દાવ ૪૪૩/૭ના સ્કોર પર ડિકલેર કર્યો છે. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દિવસની મદદના અંતે વિના વિકેટે ૮ રન બનાવી લીધા છે. ઓસીની ટીમ ભારત કરતા હજી ૪૩૫ રન પાછળ હોય ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવથી મજબુતી હાંસલ કરી લીધી છે.
બોકસીંગ-૨ ટેસ્ટમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ભારતે માત્ર ૨ વિકેટ ગુમાવી ૨૧૫ રન બનાવ્યા હતા. આજે ચેતેશ્વર પુજારા અને સુકાની વિરાટ કોહલીએ ભારતની ઈનીંગ આગળ ધપાવી હતી. આ દરમિયાન સૌરાષ્ટ્રના રન મશીન અને ટીમ ઈન્ડિયાની ધ વોર ચેતેશ્વર પુજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની ૧૭મી સદી ફટકારી હતી જે ૧૦૬ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. આક્રમક બેટીંગ કરી રહેલો વિરાટ કોહલી સદી ફટકારે તેવું લાગી રહ્યું હતું પરંતુ તે ૮૨ રને આઉટ થઈ ગયો હતો. રોહિત શર્માએ અણનમ ૬૩ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત અજીંકય રહાણેએ ૩૪ અને રીષભ પંથે ૩૯ રન કર્યા હતા. ૭ વિકેટના ભોગે ભારતનો સ્કોર જયારે ૪૪૩ રને પહોંચ્યો ત્યારે વિરાટ કોહલીએ ભારતનો પ્રથમ દાવ ડિકલેર કરવાની ઘોષણા કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દિવસની રમતના અંતે વિના વિકેટે ૮ રન બનાવી લીધા છે. કાલથી મેલબોર્નની વિકેટ ટર્ન લે તેવું લાગી રહ્યું હોય ભારતે ત્રીજા ટેસ્ટના બીજા દિવસે મજબુતી હાંસલ કરી લીધી છે.