ઓખા નગરપાલિકાની ૨૦૧૬માં યોજાયેલી સામાન્ય ચુંટણી બાદ અઢી વર્ષ માટે પ્રમુખ વંદનાબેન વિઠલાણીએ સતાનો દોર સંભાળ્યો હતો. જયારે તેમના અઢી વર્ષની વિકાસ શાસન સતા બાદ સૌનો સાથ અને સૌનો વિકાસનું શાસન સતા ઓખાના યુવા પત્રકાર અને ઓખા વોર્ડ નં.૪માં ચુંટાયેલા ચેતભા ભાવસીંગભા માણેકના સીરે આવી છે અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ માવાણીના સીરે તાજ પહેર્યો હતો.
આજરોજ ગુજરાત નગરપાલિકા ચુંટણી અધિનિયમ ૧૯૯૦ના નિયમ ચાર મુજબ ચુંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ-ઉપપ્રમુખના હોદેદારોની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના ૨૧ અને કોંગ્રેસના ૧૫ સભ્યો રહ્યા હતા પરંતુ આ ચુંટણીમાં કોંગ્રેસમાંથી કોઈ એજ ફોર્મ ન ભરતા અહીં ભાજપના ચેતનભાઈ માણેક પ્રમુખ અને ચેતનભાઈ માવાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.
આ પ્રસંગે ઓખા નગરપાલિકાના પટાંગણમાં તેમને વધામણી આપવા અને શુભેચ્છા આપવા ભાજપ અગ્રણીઓ તથા વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. અહીં પ્રમુખ અને ઉપપ્રમુખે ભાજપ પક્ષ સાથે ધારાસભ્ય પબુભા માણેકનો આભાર વ્યકત કર્યો હતો અને પોતાના પર કરેલો વિશ્ર્વાસને ખરા ઉતરવા પ્રજાલક્ષી કામો કરવાની બાંહેધરી આપી હતી.