ઉત્તર પૂર્વીય ચોમાસાના ભારે વરસાદ વચ્ચે બુધવારે સવારે 8.30 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકમાં મેઘાલયના ચેરાપુંજીમાં 811.6 મીમી વરસાદ નોંધાયો હતો. જે 1995 પછીનો સૌથી વધુ વરસાદ છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી હતી.

હવામાન વિભાગના આંકડા મુજબ ચેરાપુંજી વિશ્ર્વના સૌથી વધુ વરસાદી સ્થળોમાનું એક છે. જૂનના એક દિવસમાં 750 મીમીથી વધુ વરસાદ માત્ર 10 વખત નોંધાયો છે. પૂર્વમાં ગાઢ પર્વતીય વિસ્તારમાં આવેલા આ શહેરમાં 16 જૂન, 1995ના રોજ 1563.3 મીમી વરસાદ થયો હતો. તેના આગલા દિવસે 15 જૂન, 1995ના રોજ 930 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન કચેરીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ બુધવારે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો આગળ વધ્યુ છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે ભારે વરસાદની આ પ્રક્રિયા ઉત્તર પૂર્વીય અને હિમાલય-પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 5 દિવસ સુધી ચાલુ રહેવાની ધારણા છે.

હવામાન કચેરીએ વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી નીચલા સ્તરમાં મજબૂત દક્ષિણ-પશ્ર્ચિમ પવનો અને મધ્યસ્તરમાં પશ્ર્ચિમી પવનના નીચા દબાણને કારણે અરૂણાચલ પ્રદેશમાં ગઇકાલે અને આજે આસામ અને મેઘાલય તેમજ 17મી જૂને ઉપ હિમાલયના પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.