- ચેન્નાઇએ લખનઉને પાંચ વિકેટે હરાવ્યું: 167 રનનો ટાર્ગેટ ચેન્નાઇએ ત્રણ બોલ બાકી રહેતા પાર પાડ્યો
આઈપીએલ-2025ની સિઝનમાં કેપ્ટન એમ.એસ.ધોનીની આગેવાનીમાં રમી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સનો સિઝનમાં બીજી વખત વિજય થયો છે.લખનૌને હરાવી સતત હારમાંથી હવે ચેન્નાઇ બહાર નીકળી ગયું છે. ચેન્નાઈએ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો છે. લખનઉએ પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટે 166 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નાઈની ટીમે 19.3 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવી જીત મેળવી છે. સામાન્ય સ્કોર હોવા છતાં મેચ રોમાંચક બની ગઈ હતી અને ચેન્નાઈની ટીમે ભારે સંઘર્ષ કરતી જોવા મળી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લખનઉના ખેલાડી ઋષભ પંતે આ સિઝનમાં પ્રથમવાર દમદાર બેટીંગ કરીને અડધી સદી ફટકારી હતી, જોકે તેની મહેનત એડે ગઈ છે.લખનઉ તરફથી સૌથી વધુ ઋષભ પંતે 49 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 63 રન નોંધાવ્યા હતા. જ્યારે મિશેલ માર્શે 33 રન, આયુષ બદોનીએ 22 રન, અબ્દુલ સમદે 20 રન, ઓપનિંગમાં આવેલા એડમ માર્કરામે 6 રન, નિકોલસ પૂરને 8 રન, શાર્દુલ ઠાકુરે 6 રન અને ડેવિડ મિલરે અણનમ 0 રન નોંધાવ્યા હતા.
ચેન્નાઈ તરફથી સૌથી વધુ રવિન્દ્ર જાડેજા અને મથીશા પથિરાણાએ બે-બે વિકેટ ખેરવી હતી. જ્યારે ખલિલ અહેમદ અને અંશુલ કંબોજે એક-એક વિકેટ ઝડપી હતી. ચેન્નાઈની ટીમનો જેમી ઓવરટ સૌથી વધુ ખર્ચાડ બોલર સાબિત થયો હતો. તેણે એક પણ વિકેટ ઝડપી ન હતી અને બે ઓવરમાં 24 રન આપી બેઠો હતો, જ્યારે પથિરાણા ચાર ઓવરમાં 45 રન આપી બેઠો હતો.