ક્રિકેટ ઈઝ ધ મેન્ટલ ગેમ
‘અભૂતપૂર્વ’ રહેલી ચેન્નઈ ‘ભૂતપૂર્વ’ થઈ ગઈ
આઈપીએલની ૧૩મી સીઝન અનેકવિધ આઈપીએલ ટીમ ફ્રેન્ચાઈઝી માટે કપરી સાબિત થઈ છે. ૧૩મી સીઝનમાં હોટ ફેવરીટ ગણાતી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાંથી આઉટ થઈ ગઈ છે. ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે ચેન્નઇ સુપર કિંગ્સ સમય સાથે તાલ-મેલ મેળવવા નિષ્ફળ નિવડી છે. એક સમયની અભૂતપૂર્વ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હવે ભૂતપૂર્વ બની ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ સમયની સાથે જે સુધારો અને બદલાવ કરવો જોઈએ તે ન કરતા આ વખતની સીઝનમાંથી તેઓ આઉટ થઈ ગયા છે તો તેની સામે મુંબઈ ઈન્ડિયન્સની પરફેકટ ઈલેવન પ્લે ઓફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લીધું છે. અભૂતપૂર્વ ખેલાડી જેવા કે સેન વોટસેન, રવિન્દ્ર જાડેજા આઈપીએલ સિઝનમાં નિષ્ફળ નિવડતા આવનારા વર્ષ માટે ફ્રેન્ચાઈઝી ટીમ માટે ઘણુ ખરુ વિચારવું પડશે અને નવોદિત ખેલાડીઓને ટીમમાં સ્થાન પણ આપવું પડશે.
મેચ પત્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું હતું કે, ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ તેની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડયા છે. સી.એસ.કે માટે આ વખતનો આઈપીએલ પણ એટલો જ ખરાબ સાબિત થયો છે જેમાં સૌપ્રથમ વખત ટીમે લીગમાં ૮ મેચ હાર્યું છે. મુંબઈએ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે બેટીંગ કરવા ઉતરેલી ચેન્નઈની ટીમ ૨૦ ઓવરના અંતે માત્ર ૧૧૪ રન જ બનાવી શકયું હતુ ત્યારે ૧૧૫ રનના લક્ષ્યાંકને સિઘ્ધ કરવા માટે ડી કોક અને ઈસનકિશને ઉચ્ચ સ્તરીય બેટીંગ પ્રદર્શન કરી વિના વિકેટે ટીમને જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે ઈસનકિશને ૩૭ બોલમાં ૬૮ રન બનાવ્યા હતા જેમાં તેણે પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. ઈસન બેટીંગમાં આવતાની સાથે જ ડર વગર પોતાની રમત રમી ટીમને વિજય અપાવ્યો હતો. ક્રિકેટ ઈતિહાસમાં જયારં લો-સ્કોરીંગ મેચ જોવા મળતો હોય તો ટીમ ધીમી રમત રમી મેચ જીતવા માટેનો પ્રયત્ન કરતું હોય છે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જે ચિત્ર ઉભુ કરવામાં આવ્યું હતું તે તદન વિપરિત હતું.
આઈપીએલની ૧૩મી સીઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે અત્યંત મહત્વપૂર્ણ હતી કારણકે ધોનીની નિવૃતિ બાદ આઈપીએલમાં રમવા માટેનો તેનો નિર્ણય એ સુચવતો હતો કે ૧૩મી આઈ૫ીએલની સિઝનમાં વિજેતા ટીમ તરીકે ચેન્નઈ ઉભરશે પરંતુ લીગ મેચમાં સતત ખરાબ પ્રદર્શન કરનાર ચેન્નઈની ટીમ લીગમાંથી આઉટ થતા અનેકવિધ પ્રશ્ર્નો પણ ઉભા થયા છે. જે આઈપીએલની ટીમ નવોદિત ખેલાડીઓને અપનાવી સમય સાથે તાલ-મેલ મેળવવામાં સફળ નિવડી છે તે જ આઈપીએલમાં સફળતાપૂર્વક પ્રદર્શન કરી શકયું છે. એક સમયે આઈપીએલમાં ચેન્નઈને મ્હાત આપવી કોઈપણ ટીમ માટે લોઢાના ચણા ચાવવા જેવું મનાતું હતું પરંતુ આ સિઝન અનેકવિધ રીતે અનિશ્ર્ચિત અને અલગ પ્રકારની જ સિઝન જોવા મળી છે.