ટીમના ઓપનર્સથી માંડી બોલર્સ અને ઓલરાઉન્ડરો ફોર્મમાં હોવાથી ચેન્નઈ પોઇન્ટ ટેબલમાં પણ ’કિંગ’ બની
આઈપીએલની 14મી સિઝનમાં ચેન્નાઇની ટીમ સૌથી પરફેક્ટ ટીમ બનીને સામે આવી છે. કોઇપણ ટીમના પ્રદર્શનમાં તેના ઓપનરનો ખૂબ મોટો ફાળો હોય છે ત્યારે ચેન્નાઇની ટીમના ઓપનર હાલ ફોર્મમાં હોવાથી દરેક મેચમાં ટીમને મોટો સ્કોર મળે છે. સામે બોલિંગ એટેકમાં ચેન્નઈના બોલર તેમજ ઓલરાઉન્ડર પણ ફોર્મમાં હોવાથી દરેક મેચમાં ચેન્નાઈનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળી રહ્યું છે. અગાઉ આઈપીએલની આઠમી સિઝનમાં જે રીતે મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું અને દરેક મેચ જીતીને મુંબઇ ઇન્ડિયન ચેમ્પિયન બની હતી તેવી જ રીતે 14મી સિઝનમાં ચેન્નાઇની ટીમ પરફેક્ટ બનીને સામે આવી છે અને આ સિઝનમાં ચેમ્પિયનનો તાજ ચેન્નઈના શિરે જાય તો પણ નવાઈ નહીં તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.આઇપીએલ 2021ની 23મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ એ સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈની ટીમે સતત 5 મેચમાં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હૈદરાબાદની આ સીઝનની 5મી હાર છે, જેના પરિણામે તે પોઈન્ટ ટેબલમાં અંતિમ ક્રમાંક પર પટકાયું છે. ચેન્નઈએ છેલ્લી 10 મેચમાંથી 7માં હૈદરાબાદને હરાવ્યું છે.
ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ સીઝનની દિલ્હીમાં પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈએ 3 વિકેટના નુકસાન પર 173 રન બનાવીને 7 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો. હૈદરાબાદએ 3 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. કેન વિલિયમ્સને અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને ટીમના સ્કોરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એણે 10 બોલમાં 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદનો ઓપનર જોની બેરસ્ટો 7 રન બનાવીને સેમ કરનનો શિકાર થયો હતો. ટીમની 22 રન પર પ્રથમ વિકેટ પડી હતી. લૂંગી એન્ગિડીએ ચેન્નઈને એક જ ઓવરમાં 2 વિકેટ અપાવી. પહેલા કેપ્ટન ડેવિડ વોર્નરને અને ત્યારપછી મનીષ પાંડેને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. વોર્નરે 55 બોલમાં 57 રન બનાવ્યા હતા.વોર્નર અને મનીષ પાંડેએ 106 રનની ભાગીદારી નોંધાવી હતી.ચેન્નઈ સુપરકિંગ્સે 129 રન પર ઋતુરાજ ગાયકવાડની પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાશિદ ખાને એને બોલ્ડ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડે પોતાના આઇપીએલ કારકિર્દીની 5મી અર્ધસદી નોંધાવી હતી. એણે 44 બોલમાં 74 રન બનાવ્યા હતા. ત્યારપછી 15મી ઓવરમાં રાશિદ ખાને બેક ટુ બેક મોઈન અલી અને ડુ પ્લેસીસને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. જેમાં ફાફ ડુ પ્લેસીસે 38 બોલમાં 56 રન બનાવ્યા હતા. આમ રાશિદ ખાને 3 વિકેટ પોતાને નામ કરી હતી.
ખેલાડીઓ ‘હિટ’ તો ટીમ ’સુપરહિટ’
કોઈ પણ ટીમ માટે તેના ખેલાડીઓનજ પ્રદર્શન શ્રેષ્ઠ હોવું અતિ જરૂરી છે અન્યથા ખેલાડીઓ ગમે તેટલા દિગ્ગજ હોય પણ ટીમ નબળી સાબિત થતી હોય છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ આઇપીએલમાં હૈદરાબાદની ટીમ છે. ડેવિડ વોર્નર જેવા અનુભવી ખેલાડીના નેતૃત્વવાળી ટીમ પોઇન્ટ્સ ટેબલમાં અંતિમ ક્રમાંક પર છે. સામે ચેન્નઈની ટીમમાં ઓપનર્સ ફાફ ડુ પ્લેસીસ અને ઋતુરાજ ગાયકવાડથી માંડીને રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો અને મોઇન અલી જેવા ઓલરાઉન્ડર તેમજ બોલર્સમાં સેમ કરણ, ઇમરાન તાહિર, દિપક ચહર સહિતના ખેલાડીઓ પુરેપુરા ફોર્મમાં છે જેથી એક ન તકે તો બીજો ચોક્કસ ટકી જતો હોય છે. સામે ટીમનો સુકાની મહેન્દ્રસિંહ ધોનીનો અનુભવ પણ કામ લાગી રહ્યો છે.