કોર્પોરેશન ચોકમાં 45.58 ડિગ્રી તાપમાન જ્યારે સોરઠીયાવાડી સર્કલે પારો માત્ર 25.59 ડિગ્રી
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ 15 સ્થળોએ સેન્સર મૂકવામાં આવ્યા છે. જ્યાં તાપમાન ઉપરાંત યુવી ઇન્ડેક્સ, ભેજ, પીપીબી અને પીપીએમના આંકડાઓ નિયમિતપણે લેવામાં આવે છે. બુધવારનો દિવસ રાજકોટવાસીઓ માટે સૌથી ગરમ દિવસ રહેવા પામ્યો હતો. શહેરનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સીયસ હવામાન વિભાગના રેકોર્ડ પર નોંધાયુ હતું.
જો કે કોર્પોરેશનના સેન્સરમાં જાણે કેમિકલ લોચા હોય તેમ માત્ર ત્રણ કિલોમીટરનું અંતર ધરાવતા બે સ્થળ વચ્ચે મહત્તમ તાપમાનમાં 20 ડિગ્રી જેટલો તફાવત નોંધાયો હતો. જ્યારે બીજી તરફ બે લોકેશનને બાદ કરતા તમામ 13 લોકેશન પર મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. જે પણ એક શંકાસ્પદ બાબત જણાઇ રહી છે. કોર્પોરેશનના નાનામવા સર્કલ સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતે ગઇકાલે બપોરે 4:00 વાગે શહેરમાં નોંધાયેલા મેક્સિમમ ટેમ્પરેચરના આંકડાઓ લેવામાં આવ્યા છે.
જેમાં સૌથી વધુ તાપમાન શહેરના કોર્પોરેશન ચોકમાં 45.58 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. અહીંથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા સોરઠીયા વાડી સર્કલ ખાતે તાપમાન માત્ર 25.59 ડિગ્રી નોંધાયુ હતું. સામાન્ય રીતે શિયાળાની સીઝનમાં પણ બપોરે ચાર વાગે આટલું તાપમાન રહેતું નથી. જે રીતે બે સ્થળો વચ્ચે મહત્તમ તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે સેન્સરમાં કોઇ ટેકનિકલી ખામી ઉભી થવા પામી છે. હવામાન વિભાગના રેકોર્ડ પર ગઇકાલે શહેરનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. જો કે, કોર્પોરેશન દ્વારા જે 15 સ્થળના તાપમાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં માત્ર કોર્પોરેશન ચોક ખાતે અને ત્રિકોણ બાગ ચોક ખાતે તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આજીડેમ ચોકડી, અટીકા, દેવપરા, ગ્રીનલેન્ડ ચોકડી, જડ્ુસ ચોક, જિલ્લા પંચાયત ચોક, કોઠારીયા રોડ ચોકડી, માધાપર ચોકડી, નાનામવા, પ્રદ્યુમન પાર્ક, કોર્પોરેશન ઇસ્ટ ઝોન કચેરી સહિતના સ્થળોએ તાપમાન 40 ડિગ્રી આસપાસ હોવાનું દર્શાવાયું છે. જે પ્રથમ નજરે જ શંકાસ્પદ જણાઇ રહ્યું છે.