• મોડીરાતે ઇક્કો કારમાં આવેલા અજાણ્યા શખ્સો બે દિવસ પહેલાં આવેલો માલ ચોરી ગયા
  • ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી શરૂ કર્યો તપાસનો ધમધમાટ
  • વી.જે.સન્સનું શટર અને કાચનો દરવાજો તસ્કરોએ તોડી હાથફેરો કર્યો: નેપાળી ચોકીદાર જાગી જતા તસ્કરો ભાગી ગયા

શહેરમાં ચોર-ગઠીયાએ પડાવ નાખ્યા હોય તેમ ગઇકાલે જ બે કરોડથી વધુ રકમની છેતરપિંડીનો ગઠીયા ચોરી ગયા બાદ ગતરાતે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા યાજ્ઞિક રોડ સર્વેશ્ર્વર ચોકમાં વી.જે.સન્સ નામની પટોળાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.75 લાખની કિંમતના પટોળા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે. પોણા કરોડની મત્તાની ચોરી થયાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિરાણી હાઇસ્કૂલ પાછળ રહેતા પટોળાના વેપારી પંકજભાઇ જીવરાજભાઇ વાઢેરની સર્વેશ્ર્વર ચોકમાં આવેલી વી.જે.સન્સ નામની દુકાનના શટર અને કાચનો દરવાજો તોડી રૂા.75 લાખની કિંમતના પટોળા ચોરી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

DSC 2100

સુરેન્દ્રનગર ખાતે પટોળાનું વણાટ કામ કરાવી સર્વેશ્ર્વર ચોકમાં વી.જે.સન્સ નામની દુકાનમાં કિંમતી પટોળા રાખી છુટક અને જથ્થાબંધ વેચાણ કરતા પંકજભાઇ વાઢેર કિંમતી પટોળા એકઝિબીશનમાં લઇ જવાના હોવાથી બે દિવસ પહેલાં સુરેન્દ્રનગરથી પટોળા મગાવી વી.જે.સન્સમાં રાખ્યા બાદ ગતરાતે ચોરી થઇ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ચોરીની ઘટનાની જાણ થતા ડીસીપી ઝોન-1 સુધીરકુમાર દેસાઇ, એસીપી જે.એસ.ગેડમ, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી. જાડેજા, એ ડિવિઝન પી.આઇ. સી.જી.જોષી, પી.એસ.આઇ. બોરીસાગર સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસ દરમિયાન મોડીરાતે તસ્કરો ઇક્કો કાર લઇને આવી શટર અને કાચનો દરવાજો તોડી એક લાખથી વધુ કિંમતના જ પટોળાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. શટર તોડવાનો અવાજ થતા બાજુના કોમ્પ્લેક્ષના નેપાળી ચોકીદાર જાગીને તપાસ કરી તે દરમિયાન તસ્કરો ઇક્કો કારમાં ભાગતા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે.

પટોળાના જાણકાર તસ્કરોએ કિંમતી પટોળા ચોર્યા

યાજ્ઞિક રોડ પર આવેલા સવેશ્ર્વર ચોકમાં વી.જે.સન્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી મોંઘા પટોળાની ચોરી કરી હોવાનું અને ઓછી કિંમતના પટોળા ચોર્યા ન હોવાથી તસ્કરો પટોળાના વ્યસાયના અને પંકજભાઇ વાઢેરના જાણકાર હોવાની શંકા સાથે પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

અમદાવાદ એકઝિબીશનમાં પટોળા  લઇ જવાઇ તે પહેલાં ચોરાયા

અમદાવાદ ખાતે આજથી શરૂ થતા એકઝિબીશનમાં કિંમતી પટોળા લઇ જવાના હોવાથી પંકજભાઇ વાઢેરે સુરેન્દ્રનગરથી પટોળા મગાવી સવારે અમદાવાદ લઇ જવામાં આવે તે પહેલાં તસ્કરોએ વી.જે.સન્સના શટર તોડી 75 લાખની કિંમતના પટોળા ચોરી ગયાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.