- જંગલેશ્ર્વરમાં નજરાના બેકરીમાં પફના મસાલાનો 55 કિલોના જથ્થાનો નાશ: પનીર, થાબડી, કેશર પેંડા અને કોપરા બરફી લાડુના નમૂના લેવાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા નેપલ્સ ફૂડ્સમાંથી લેવામાં આવેલો જેલાપીનો ચીઝનો નમૂનો પરિક્ષણમાં નાપાસ જાહેર થયો છે. ફોરેન ફેટની હાજરી અને તલના તેલની ભેળસેળ થયાનું માલૂમ પડ્યું છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બીગ બઝારની બાજુમાં 2-ચંદ્રપાર્કમાં પૃથ્વી એસ્ટેટ બ્લોક નં.188માં આવેલા નેપલ્સ ફૂડમાંથી કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા જેલાપીનો ચીઝનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન રિપોર્ટમાં ચીઝમાં ફોરેન ફેટની હાજરી વધુ મળી આવી હતી. આ ઉપરાંત તલના તેલ પણ ભેળસેળ કરવામાં આવી હોવાનું ખૂલતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો છે. હવે પેઢી સામે એજ્યુડીકેશનની કાર્યવાહી કરવામાં આવશે. સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમ દ્વારા જંગલેશ્ર્વર મેઇન રોડ પર આવેલી નજરાના બેકરીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પફ બનાવવા માટે સંગ્રહ કરાયેલો બટેટાનો માવો વાસી અને અખાદ્ય જણાતા 55 કિલોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા તથા ફૂડ રજીસ્ટ્રેશનના બદલે ફૂડ લાયસન્સ મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. શાસ્ત્રી મેદાન સામે હોર્ક્સ ઝોનમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ક્રિષ્ના ઘુઘરા, વિશાલ ઘુઘરા, પપ્પુ ઘુઘરા, સિતારામ છોલે-કુલચા, ક્રિષ્નાભાઇ છોલે-કુલચા, જાની મદ્રાસ કાફે, ભુરાભાઇ ભુંગળા-બટેટાવાળા, ભુરાભાઇ રગડાવાળા, જય માતાજી છોલે-ભટૂરે, બોમ્બે વડાપાંઉ, શિવ કોન, શિવ મદ્રાસ કાફે અને રોયલ હોટડોગને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત લક્ષ્મીનગર ચોકમાં પંચવટી મેઇન રોડ પર સમૃધ્ધિ ડેરી ફાર્મમાંથી લૂઝ પનીર, 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે શ્યામ ડેરી ફાર્મમાંથી લૂઝ થાબડી, મંગલમ પાર્ક મેઇન રોડ પર જીજીએમ સ્વીટ્સ એન્ડ નમકીનમાંથી લૂઝ કેશર પેંડા, મવડી વિસ્તારમાં સોરઠીયા પરિવારની વાડી પાસે ક્રિષ્ના ડેરી ફાર્મમાંથી લૂઝ પનીર, કૈલાશ પાર્ક-1 નંદનવન-2માં ગોકુલ ડેરી ફાર્મમાંથી લૂઝ કોપરા બરફી લાડુના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.