અદાણી ગેસે મોટર અને રિક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ(CNG)ના ભાવમાં રૂા. 3.48નો ઘટાડો કરી આ ઘટાડો આજથી અમલમાં આવે તેવી અદાણી ગેસ લિમિટેડે જાહેરાત કરી છે. તેને પરિણામે સેકડો રિક્ષાચાલકો અને ખાનગી વાહન ચાલકોને રાહત થશે.અદાણી ગેસે ઘર ઘરમાં પહોંચાડવામાં આવતા ગુજરાતના કસ્ટમર્સ માટે પાઈપ્ડ નેચરલ ગેસ(PNG)ના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં 63 પૈસાનો ઘટાડો કર્યો છે.
કુદરતી ગેસનો MMBTUના ભાવ 3.23 ડોલર કરી દીધા છે. અગાઉ તેનો ભાવ 3.69 ડોલરનો હતો. આથી અદાણી ગેસે CNGમાં રૂ. 3.48નો ઘટાડો કરતા CNGનો નવો ભાવ રૂ.83.90 થયો છે.જેનો જુનો ભાવ રૂ. 87.38 હતો.ભાવ ઘટાડાથી રિક્ષાચાલકો અને ખાનગી વાહન ચાલકોએ થોડોક રાહતનો શ્વાસ લીધો છે.
કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં 12.5 ટકાનો ઘટાડો કર્યો હોવાથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, મહેસાણા સહિતના ગુજરાતના વિસ્તારોમાં CNGનો વેપાર કરતાં અને PNG) સપ્લાય કરતી કંપનીઓને તેમના કુદરતી ગેસના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી છે
કેન્દ્ર સરકારના ક્રૂડના બિલમાં સતત થઈ રહેલા વધારાને પરિણામ વિદેશી હૂંડિયામણના વેપારમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને કુદરતી ગેસનો વપરાશ વધે તેવી અપેક્ષા છે. આ સંજોગોમાં સરકાર દ્વારા તેના પરના વેટના દર ઓછા કરવામાં આવે તો તેને પરિણામે લોકોને સારો ફાયદો થઈ શકે છે. તેમ જ તેના ભાવ નીચા જતાં પર્યાવરણ પર પડી રહેલી વિપરીત અસરમાં પણ આંશિક ઘટાડો થશે.