મીરા સિલ્વર લીવ્સનો નમુનો મીસ બ્રાન્ડેડ થતા નાપાસ જાહેર
શિયાળાની સિઝનમાં ચીકીનો ઉપાડ વધુ માત્રામાં થતો હોય છે. વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ચીકીમાં ભેળસેળ કરતા હોવાની શંકાનાં આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી ચીકીનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અગાઉ કેપ્ટન એન્ટરપ્રાઈઝમાંથી લેવામાં આવેલો મીરા સિલ્વર લયુઝનો નમુનો પરીક્ષણનાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય શાખા દ્વારા આજે જાગનાથ પ્લોટમાં ચાંદની સિઝન સ્ટોરમાંથી ચાંદની ચીકી, એસ્ટ્રોન ચોકમાં અખિલેશ કોલ્ડ્રીંકસમાંથી અખિલેશ બ્રાન્ડ ગોળની ચીકી, રૈયા રોડ પર શ્રદ્ધા સિઝન સ્ટોર્સમાંથી લુઝ મગફળીની ચીકી, ટાગોર રોડ પર સાત્વિક ફુડમાંથી સાત્વિક પીનટ ચીકી, એસ્ટ્રોન ચોકમાં મોહિની સિઝન સ્ટોર્સમાંથી મોહિની ગોળની ચીકી, ભકિતનગર સ્ટેશન પ્લોટમાં કનેરીયા એન્જીનીયર વર્કસમાં હાશ ચીકી, સદર બજાર મેઈન રોડ પર સંગમ વેરાયટી સ્ટોર્સમાંથી સંગમ બ્રાન્ડ પ્રિમીયમ ચીકી અને સંગમ બ્રાન્ડ ચીકીનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. પરાબજાર મેઈન રોડ પર કેપ્ટન એન્ટરપ્રાઈઝમાંથી મિરા સિલ્વર લયુઝ (૧૫ સ્વીટ પેકેટ)નો નમુનો લેવામાં આવ્યો હતો જે પરીક્ષણમાં મોકલાયો હતો. એફએસએસએઆઈનો લોગો દર્શાવવામાં આવ્યો ન હોવાનાં કારણે નમુનો પરીક્ષણમાં મિસ બ્રાન્ડેડ આવતા નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય શાખા દ્વારા કાલાવડ રોડ, સત્યસાંઈ હોસ્પિટલ રોડ, રૈયા રોડ સહિતનાં વિસ્તારોમાં ધમધમતી રાત્રી બજારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ૩૧ રેકડીઓમાં ચેકિંગ દરમિયાન ૨૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.