વ્યાજના ચુંગાલમાં ફસાયેલા માટે
રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવ, એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવાના અભિગમને આવકાર
84 લોન કેમ્પ યોજી રૂ.97.50 લાખની ધિરાણ મંજૂર: સ્થળ પર ચેક વિતરણ
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રજાજનોને વ્યાજખોરોના ત્રાસ માંથી બચાવવાના ભાગરૂપે રાજકોટ રેન્જ ના આઈ.જી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂના અધ્યક્ષ સ્થાને આજે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં મેગા લોન મેળો યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો ઉમટી પડ્યા હતા.
જામનગર જિલ્લા પોલીસ તંત્રના પ્રયાસોથી શહેર જિલ્લાના લાભાર્થીઓ પૈકી મુદ્રા યોજના હેઠળ 74 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત અન્ય લાભાર્થીઓ માટે સ્થળ પર જ જુદી જુદી બેંકોના કાઉન્ટર બનાવીને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ લોન આપવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેને પ્રચંડ સમર્થન મળ્યું હતું.
રાજકોટ રેન્જ ના આઈ.જી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં શહેર જિલ્લાના લાભાર્થીઓ કે જેઓ લોન મેળવવા માંગતા હોય તેવા માટેની પોલીસ તંત્રના પ્રયાસોથી જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડી લોનની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી, અને બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, અને લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં 74 લાખના ચેક વિતરણ કરી દેવાયા હતા, ઉપરાંત અન્ય લાભાર્થીઓ માટે બેન્ક લોન ની પ્રક્રિયાઓ ચાલુ રાખવામાં આવી હતી. જામનગર શહેર જિલ્લાની જુદી જુદી તેમજ ખાનગી બેંકના અધિકારી કર્મચારીઓ આ મેગા લોન મેળામાં હાજર રહ્યા હતા, અને તેઓના સ્થળ પર જ કાઉન્ટર ઉભા કરાવી દેવાયા હતા, અને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ લોન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ જિલ્લા રોજગાર કચેરી ની ટીમ દ્વારા કેટલાક લાભાર્થીઓને ટૂલકિટનું પણ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, અને પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો, એલસીબી અને એસઓજીની ટુકડી વગેરે પોલીસ ની ટિમ હાજર રહી હતી, અને જરૂરિયાતમંદ લોકોને સ્થળ પરથી લોનની વ્યવસ્થા ગોઠવી શકાય તે માટેનું પોલીસ હેડ ક્વાર્ટર માં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર જિલ્લાના સંખ્યાબંધ જરૂરિયાતમંદ નાગરિકો હાજર રહયા હતા.
પોલીસ અધિકારીઓના ગયા પછી લોન મેળવવા માટે પરેશાની
જામનગર ના પોલીસ હેડ ક્વાર્ટર માં યોજાયેલા મેગા લોન મેળા દરમિયાન પોલીસ અધિકારીઓ કાફલો ગયા પછી બેંક લોન મેળવવામાં કેટલાક નાગરિકોને મુશ્કેલી પડી હતી, અને બેંકના અધિકારી અથવા તો સ્થળ પર હાજર રહેલા બેન્કના સ્ટાફ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવતાં તે બાબતે લોકો અને બેંક સ્ટાફ વચ્ચે ચકમક પણ ઝરી હતી. જોકે પાછળથી પોલીસે મામલો થાળે પાડ્યો હતો, અને લોન મેળવવામાં જરૂરી ડોક્યુમેન્ટસ હાજર રાખવા માટે પ્રજાજનોને વિનંતી કરવામાં આવી હતી.
84 વ્યાજખોરો સામે ગુના દાખલ: 62 જેલ હવાલે
જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં વ્યાજખોરો સામે 24 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, અને કુલ 84 વ્યાજખોરો સામે ગુના નોંધવામાં આવ્યા છે, જે પૈકી 61 વ્યાજખોરોની ધરપકડ કરી લઈ તેઓને જેલ હવાલે પણ કરાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, અને હજુ પણ કેટલાક વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે નાગરિકોની કેટલી મિલકતો પણ વ્યાજખોરો પાસેથી છોડાવી લેવામાં આવી છે.
લોકોએ કોઈપણ પ્રકારના ભય રાખ્યા વિના પોલીસ સમક્ષ વ્યાજખોરોને ખુલ્લા પાડવા માટે આહવાન કરાયું છે. જામનગર જિલ્લાનો એક પણ નાગરિક વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાયેલો ના રહે, તેવા પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો કરાશે