સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચુંટણી અને બોર્ડની પરીક્ષાના કારણે પ્રાથમિક શિક્ષણને ભારે અસર પહોંચી છે ત્યારે વળી શિક્ષકોના મુશ્કેલી સાંભળવાના બદલે તંત્ર દ્વારા શાળાઓમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ક્ષતિઓ જણાતા વઢવાણ, સુરેન્દ્રનગર, પાટડી અને ધ્રાંગધ્રા સહિતના તાલુકાના સીઆરસીઓને નોટીસ ફટકારવામાં આવતા ભારે ખળભળાટ સર્જાયો છે. ગઈકાલે લેખિતમાં ખુલાસો આપવા માટે બોલાવતા શિક્ષણ ક્ષેત્રમાં ભારે દોડધામ મચી જવા પામેલ છે.
જિલ્લામાં ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાની કામગીરીમાં પ્રાથમિક શાળાઓના અંદાજે ૧૮૩થી વધુ આચાર્ય અને શિક્ષકો જોડાવવા માટેના આદેશો કર્યા હતા. આથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની કામગીરી સાવ ઠપ્પ થઈ હોય શિક્ષકોમાં ભારે રોષ સાથેનો હોબાળો મચાવવા છતાં આ કામગીરી કરાવવામાં આવી હતી ત્યારબાદ લોકસભા ચુંટણીની જાહેરાત થતા પ્રાથમિક શિક્ષણ ઉપર મોટી અસર પહોંચાડેલ હતી. જયારે બીજી બાજુ શિક્ષકોની મુશ્કેલીઓને સાંભળવાના બદલે તંત્ર દ્વારા શાળાઓમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષતિઓ જણાતા સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડી અને ધ્રાંગધ્રા સહિત તાલુકાના શાળાઓના આચાર્ય અને સી.આર.સીને નોટીસો ફટકારવામાં આવેલ છે. આ નોટીસ ગુજરાત પંચાયત સેવા વર્તુણક નિયમોનો ભંગ તેમજ શિસ્ત, અપીલ, નિયમ દર્શાવ્યા મુજબની શિક્ષા કેમ ન કરવી તેમ જણાવવા માટે રૂબરૂ બોલાવવામાં આવતા સીઆરસીઓમાં રોષની લાગણી જોવા મળેલ છે.
જયારે આ નોટીસમાં અંદાજે ૭ થી વધુ કારણોસર ગઈકાલે લેખિતમાં ખુલાસો કરવા માટે શિક્ષકોને બોલાવતા શિક્ષણ ક્ષેત્રમાં ભારે દોડધામ મચી જવા પામેલ છે. જયારે આઠ જેટલી શાળાઓમાં ચકાસણી કરવામાં આવેલ છે અને જિલ્લામાં સી.આર.સી.ઓને નોટીસો આપવામાં આવેલ છે. જેમાં શાળાઓમાં નિદાન કસોટીની ઓનલાઈન એન્ટ્રી શાળાઓની વિઝીટ સહિતના ક્ષતિઓ જણાઈ આવેલ છે. આથી આ અંગે સર્વશિક્ષા અભિયાન કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણના ઓફિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.