પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની કામગીરી તપાસવા પહોંચેલા ગ્રામ્ય પ્રાંત અધિકારી ગ્રામ પંચાયતને બંધ હાલતમાં જોઈને ચોંકી ઉઠયા: ફરજમાં ગેરહાજર તલાટીમંત્રીને શિસ્તભંગની નોટીસ ફટકારી
હાલ પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ કામગીરી તપાસવા ન્યારા ખાતે પહોંચેલા ગ્રામ્ય પ્રાંત અધિકારી ગ્રામ પંચાયતને બંધ હાલતમાં જોઈને ચોકી ઉઠયા હતા. આ સમયે ફરજ દરમિયાન ગેરહાજર રહેલા તલાટીમંત્રીને પ્રાંત અધિકારીએ શિસ્તભંગની નોટીસ ફટકારીને ટીડીઓને આ મામલે જરી આદેશો કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડુતો માટે પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં આ ખેડુતોને વાર્ષિક રૂ.૬ હજારની સહાય ચુકવવામાં આવનાર છે. આ સહાયનું પ્રથમ કવાર્ટર ચુકવવાની કાર્યવાહી વહિવટીતંત્ર દ્વારા શ કરી દેવામાં આવી છે જે માટે અરજી પ્રક્રિયા શ થઈ ચુકી છે. ગ્રામ્ય કક્ષાએ ઓનલાઈન અરજી કરવાની કામગીરી બરોબર રીતે થાય છે કે નહીં, ખેડુતોને કોઈ હાલાકીનો સામનો કરવો પડે છે કે નહીં તે બાબતે ચેકિંગ કરવા ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશે ન્યારા ગામનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગ વખતે ન્યારા ગ્રામ પંચાયતને તાળા લટકતા જોવા મળતા પ્રાંત અધિકારી ચોંકી ઉઠયા હતા.
ફરજના સમયે ગેરહાજર રહેનાર તલાટીમંત્રી સામે ગ્રામ્ય પ્રાંત અધિકારીએ આકરી કાર્યવાહી આદરી છે. આ તલાટીમંત્રીને પ્રાંતે શિસ્તભંગની નોટીસ પણ ફટકારી છે. સાથે સાથે પડધરી તાલુકા વિકાસ અધિકારીનો તુરંત સંપર્ક કરીને આ મામલે જરી આદેશો આપી અને ન્યારા ગામમાં પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજના અંગેની કામગીરી બરાબર રીતે થાય તે માટેના સુચનો પણ કર્યા છે.