ધ ગ્રાન્ડ ઠાકરમાંથી પ્રતિબંધીત કલર અને આજીનો મોટો મળી આવ્યો, કબાબ ચટણીનો નમૂનો લેવાયો: પ્લેટીનમમાંથી ગ્રીન ચટણીનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે મોકલાયો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટીનમ અને લોડ્સ સહિતની ૧૨ હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૩ સ્થળે ખાદ્ય સામગ્રીનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય હોટલોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોગ્ય શાખા દ્વારા આજે જવાહર રોડ પર ધ ગ્રાન્ડ ઠાકર હોટલમાં ચેકિંગ દરમિયાન પનીર ટીકા, પાસ્તા નૂડલ્સ, કાપેલા બાફેલા શાકભાજી, મેકસીકન ટીકી, રોટી, થેપલા, સેમી કૂકડ બટર, મકાઈ, ઢોસાની ચટણી, મીઠી ચટણી સહિતની ૩૦ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. અહીંથી પ્રતિબંધીત કલર અને આજીનો મોટો પણ મળી આવ્યો હતો. હોટલ પ્લેટીનમમાં કિચનમાં કામ કરનાર સ્ટાફનું આરોગ્ય સર્ટીફીકેટ રજૂ કરવા અને ફ્રીજમાં બિન જરૂરી સંગ્રહ કરાયેલા ખાદ્ય ચીજનો નાશ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ગ્રીન ચટણીનો નમૂનો લેવામાં આવ્યો હતો. ૧૯.૫૦૦ અખાદ્ય જાનો નાશ કરવામાં આવ્યો હતો.
મચ્છર જાણી નાખવા, શાકભાજીનો શોર્ટીંગ કરી સંગ્રહ કરવા તથા કર્મચારીના મેડીકલ રીપોર્ટ રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટને હાઈઝીન બાબતે નોટિસ આપવામાં આવી હતી અને ૧૩ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કસ્તુરબા રોડ સરગમ ફૂડને ટેગીંગ કરવા નોટિસ આપી છે. બેચલર કિચનને ફૂડ લાયસન્સની અરજી કરવા સુચના અપાઈ છે અને કિચનના સ્ટાફના મેડિકલ સર્ટી રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે.
ફ્રેન્ડસ ઢોસા સેન્ટરમાં ચેકિંગ દરમિયાન સ્ટાફના ફીટનેશ સર્ટી. રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ટેમ્પ ટેશન રેસ્ટોરન્ટ, લોડ્સ બેંકવેટ રેસ્ટોરન્ટ, રાજસની કુલફી, ૪ સીઝન્સ રેસ્ટોરન્ટ અને સહજાનંદ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્લેટીનમ, ધ ગ્રાન્ડ ઠાકરમાંથી લેવામાં આવેલા ખાદ્ય સામગ્રીના નમૂના પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.