મવડી રોડ પર સોની વેપારીઓને ત્યાં બીઆઈએસનું ચેકિંગ: દાગીનાઓ સીલ
દાગીનામાં નકલી હોલમાર્ક લગાવવામાં આવતા હોવાની શંકાએ હાથ ધરાયું ચેકિંગ: વેપારીઓએ ચેકિંગ સામે નોંધાવ્યો વિરોધ
મવડી મેઈન રોડ ઉપર સોની વેપારીઓને ત્યાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ટીમોએ આજે નકલી હોલમાર્ક બનાવતી હોવાની શંકાએ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન શો-રૂમમાંથી અનેક દાગીનાઓ સીલ પણ કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ સામે સોની વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સોનાના દાગીનાની શુદ્ધતાનો ખ્યાલ આવે તે માટે બ્યુરો ઓફ ઈત્રન્ડયન સ્ટાન્ડર્ડ દ્વારા હોલમાર્ક દર્શાવવામાં આવે છે. સોનાના કેરેટ પ્રમાણે હોલમાર્ક નકકી થતો હોય છે. આ હોલમાર્કના આધારે ગ્રાહકોને સોનાની શુદ્ધતાનું પ્રમાણ ખબર પડે છે.
ત્યારે અમુક સોનાના વેપારીઓ એજન્સીના બદલે જાતે જ હોલમાર્ક દાગીના પર લગાવતા હોવાની શંકાએ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મવડી મેઈન રોડ ઉપર આવેલા પાલા જવેલર્સ અને અંબીકા જવેલર્સ સહિતની ત્રણથી ચાર દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડા દરમિયાન બીઆઈએસ દ્વારા શંકાસ્પદ લાગતા હોલમાર્કવાળા દાગીનાઓ સીલ કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. એફઆઈએસની આ દરોડાની કામગીરી સામે સોનીના વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી હતી ઉપરાંત સોની વેપારીઓ બીઆઈએસની ટીમને રજૂઆત કરવા પણ પહોંચી હતી.
દરોડાની દહેશત અનેક શો-રૂમ બંધ
બીઆઈએસની ટીમે આજે દાગીના ઉપર લાગેલા હોલમાર્કનું ચેકિંગ હાથ ધરવા ત્રણથી ચાર શો-રૂમ ઉપર દરોડા પાડયા હતા. ત્યારે આ દરોડાની દહેશતથી અનેક શો-રૂમ બંધ થઈ ગયા હતા. દરોડા પડતા વેંત જ શોરૂમ સંચાલકો પોતાના શોરૂમને તાળા મારીને નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આ વેપારીઓ દ્વારા દરોડા સામે વિરોધ નોંધાવીને બીઆઈએસની ટીમને રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.