- ડીસામાં બનેલી દુર્ઘટના બાદ સુરત પોલીસ તંત્ર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ
- વરાછા અને કતારગામ વિસ્તારમાં ફટાકડા વેચતા વેપારીઓ પાસે ફાયર સેફટીના સાધનોનો અભાવ
- પોલીસે બંને બનાવમાં વેપારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં આગના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસામાં બનેલી દુર્ઘટના બાદ સુરત પોલીસ તંત્ર દ્વારા શહેરમાં બારેમાસ ફટાકડા વેચતા દુકાન ધારકો સામે તપાસના આદેશ આપ્યા હતા. આ દરમિયાન વરાછા અને કતારગામ વિસ્તારમાં બે અલગ અલગ ફટાકડા વેચતા વેપારીઓ પાસે ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તેઓ પાસે ફટાકડા વેચાણનું લાઈસન્સ પણ ન હતું. તેમજ દુકાનમાં અલગ અલગ કંપનીના કુલ રૂપિયા 1.21 લાખના ફટાકડાનો મુદ્દામાલ સંગ્રહ કરી રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને બનાવમાં રાજેશ ગુપ્તા અને હરેશ બાબરીયા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકા તંત્ર હોય કે પોલીસ તંત્ર, રાજ્યમાં જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને છે, ત્યારે જ તેઓ સફાળા જાગે છે. ડીસામાં બનેલી દુર્ઘટના બાદ સુરત પોલીસ તંત્ર ફરીથી જાગ્યું હતું અને શહેરમાં મોટા ઉપાડે બારેમાસ ફટાકડા વેચતા દુકાન ધારકો સામે તપાસના આદેશ આપ્યા હતા. આ દરમિયાન વરાછા અને કતારગામ વિસ્તારમાં બે અલગ અલગ ફટાકડા વેચતા વેપારીઓના પાસે ફાયર સેફટીના સાધનોનો અભાવ હતો. આ ઉપરાંત તેઓ પાસે ફટાકડા વેચાણનું પણ લાઈસન્સ ન હતું. જેથી પોલીસે બંને બનાવવામાં વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ડીસા ખાતે ફટાકડાની ગેરકાયદે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ 20થી વધુ નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. ડીસાની અગ્નિકાંડની ઘટના બાદ ફરી એકવાર પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની આંખ ઉઘડી છે અને ફરીથી ચેકિંગ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મૂળ અમરેલીના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ પર આવેલ સતાધાર સોસાયટીમાં રહેતા હરેશ બાબરીયા ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વરાછા વિસ્તારમાં મોદી મોહલ્લામાં તાપી મેડિકલની ઉપર એક દુકાનમાં તેઓનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે. પરંતુ તેઓ પાસે ફાયર સેફટીના કોઈપણ સાધનો નથી અને ફટાકડા સંગ્રહ કરી રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ પણ નથી.
તેઓએ પોતાના દુકાનમાં અલગ અલગ કંપનીના કુલ રૂપિયા 1.21 લાખના ફટાકડાનો મુદ્દામાલ સંગ્રહ કરી રાખ્યો હતો. જેથી પોલીસે હરેશ બાબરીયા સામે લોકોની જિંદગી જોખમમાં મૂકવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં કતારગામ લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ગુપ્તા પણ ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
કતારગામ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સમાં તેઓનો શિવ કૃપા ફટાકડા સ્ટોર આવેલો છે. ગતરોજ કતારગામ પોલીસે તેમના ફટાકડાના સ્ટોર પર ચેકિંગ કરી ત્યારે ખબર પડી કે તેઓની દુકાનમાં રૂપિયા 1.80 લાખના ફટાકડા નો માલ સ્ટોર કરી રાખવામાં આવ્યો છે. જેથી પોલીસે દુકાનમાં મોટો જથ્થો સંગ્રહ કરવા બદલ તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય