રોજના હજારો મુસાફરોની હેરફેર છતાં ચેકીંગની કોઈ વ્યવસ્થા નથી
શહેરમાં મહાપાલિકા, રેલવે સ્ટેશન પર કોરોનાનો રોકવા ચેકિંગ થાય છે પણ એસ.ટી. ડેપોએ રેઢુ પડ હોવાનું બહાર આવ્યું છે.
શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા કેસના પગલે તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. જામનગર શહેરના ગાંધીનગર ખાતે આવેલા રેલવે સ્ટેશન પર બહારગામથી આવતી ટ્રેનોના મુસાફરોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ શહેરના વચ્ચોવચ આવેલા એસટી સ્ટેન્ડમાં કોરોનાની તપાસણી માટેની કોઈ જ સુવિધા રાખવામાં આવી નથી. મહાનગરપાલિકા પણ પોતાના દરવાજે ટેન્ટ ઉભા કરી કોરોનાની તપાસણી કરી રહ્યું છે ત્યારે જિલ્લા બહારથી આવતા લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવે તે હાલના સમયમાં અત્યંત જરૂરી બન્યું છે.
કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી
જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તેમજ આરોગ્ય અધિકારીઓએ નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં થઇ રહેલ રસીકરણ અંગેની વ્યવસ્થાઓ ચકાસી, જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા અને શહેર માં વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં સહભાગી થઇ સુરક્ષિત કરે તેમ અનુરોધ કર્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેમજ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખે. આ મુલાકાત દરમિયાન કામદાર કોલોનીના આરોગ્ય અધિકારી કાજલ ચૌહાણે જામનગરની જનતાને વિનંતી સાથે અનુરોધ કર્યો હતો કે, વધુમાં વધુ લોકો રસી લઈ પોતાને સુરક્ષિત કરે. મુલાકાતમાં એમઓએચ ઋજુતાબેન જોશી, ડોક્ટર પંચાલ તેમજ આરોગ્ય કેન્દ્ર પરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.