બોગસ કોલ લેટરના નામે ઉમેદવાર પાસેથી ૨૮૦૦૦ જેટલી રકમ ઓળવી જવાનું કારસ્તાન: સમગ્ર દેશમાંથી અનેક યુવાનો છેતરાયા: વિકલાંગોને પણ નથી છોડયા
દેશમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. નોકરીની બે-પાંચ તક માટે લાખો ઉમેદવારો અરજી કરતા હોવાના કિસ્સા અવાર-નવાર સામે આવે છે. આવી સ્થિતિમાં એરપોર્ટમાં નોકરી મળી છે તેવું કહી બેરોજગારો સાથે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નોકરી ઈચ્છુક વ્યક્તિને ‘ભારત સરકાર’ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના કાગળ પર નિયુક્તિ પત્ર મળે છે. જેમાં ગ્રાઉન્ડ સ્ટાફ માટે સિલેકશન થયું હોવાનો દાવો થાય છે. આ સિલેકશન સાથે વ્યક્તિને નોકરીથી શું લાભ થશે તેની વિગતો પણ આપવામાં આવેલી હોય છે. નોકરી જોઈતી હોય તો રૂા.૨૮૫૫૦ની રકમ એગ્રીમેન્ટ માટે ભરવાની થશે અને તે પરત મળી જશે તેવું જણાવાય છે. અરજદારો આ નાણા ભરીને એરપોર્ટ ઓથોરીટીનો સંપર્ક કરે ત્યારે તે છેતરાયો હોવાનું સામે આવે છે. આવા કિસ્સા સતત વધી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી વિગત મુજબ સાગર ગુલાબભાઈ પાટીલ નામના વ્યક્તિને આવો એક પત્ર મળ્યો હતો. ભારત સરકાર એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફના પદ માટે નોકરી મળી હોવાનો આ પત્ર હતો. પત્રમાં નીચે એરપોર્ટ ટર્મીનલના મેનેજર ડિરેકટર વિશાલ મહાજનના હસ્તાક્ષર જોવા મળતા હતા. આ સાથે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાનો સ્ટેમ્પ પણ લગાવેલ હતો. કોલ લેટરમાં જણાવાયું હતું કે, પગાર રૂા.૩૬૫૦૦ મળશે. નોકરી ૨૦૬૩ સુધી કરવાની રહેશે. ટ્રેનીંગ મેળવ્યા બાદ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાને મળનારા તમામ લાભ અપાશે.
આ કોલ લેટર વાંચીને નોકરી વાચ્છુક વ્યક્તિ ઉત્સાહમાં આવી જાય છે અને કોઈ જાણકારી મેળવ્યા વગર કોલ લેટરમાં કરવામાં આવેલી માંગણીને પૂરી કરે છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા રૂા.૨૮૫૫૦ જેટલી રકમ ભરવાનું કહેવામાં આવ્યું હોય છે. આ સાથે જ અરજદારને મોબાઈલ ફોન, લેપટોપ અને રહેવાની સુવિધા વિનામુલ્યે અપાશે તેવી લાલચ અપાય છે. જે રકમ ભરવાની છે તે રકમ એગ્રીમેન્ટ થયા પછી પરત મળશે તેવો દાવો પણ કરવામાં આવે છે. આ સમગ્ર કારસ્તાનમાં વિકલાંગો પાસેથી પણ નાણા ઉઘરાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિકલાંગ ઉમેદવારો પાસેથી પણ એર ઈન્ડિયાના નામે રૂા.૧૭૫૦૦ ઉઘરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સિક્યુરીટીના નામે નાણા આપ્યા બાદ અરજદાર નિશ્ચિત થઈ જાય છે અને જ્યારે નોકરી માટેની તારીખે એરપોર્ટ ઓથોરીટીનો સંપર્ક કરે છે ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવે છે.
આ પ્રકારના કિસ્સા રાજકોટ એરપોર્ટ પર અવાર-નવાર જોવા મળતા હોવાનું ‘અબતક’ને જાણવા મળી રહ્યું છે. એરપોર્ટ ટર્મીનલ મેનેજમેન્ટના કર્મચારી પાસે બોગસ ભરતીકાંડનો ભોગ બનેલા ઉમેદવારો અવાર-નવાર આવતા હોય છે તેઓ કોલ લેટર બતાવે છે અને નોકરી મળી હોવાનું જણાવે છે પરંતુ બાદમાં જ્યારે તેમને સમગ્ર હકીકતની જાણ કરવામાં આવે છે ત્યારે ખુબજ નિરાશ થઈ જાય છે.