‘ઠગ’ ગેંગ રોકડ રકમ મેળવ્યા બાદ સોનાના બિસ્કીટ સોનીને બતાવી આપવાનું કહી રફુચકર થઇ: મહિલા સહિત છ સામે નોંધાતો ગુનો
પૂર્વ કચ્છના આદિપુરના પટેલ પરિવારના ઓએલએકસના માધ્યમથી ભંગારની ખરીદીના બહાને પરિચયમાં આવેલી મુસ્લિમ મહિલાએ લોભામણી અને લલચામણી વાત કરી સસ્તામાં સોનાના બિસ્કીટ આપવાનું રૂ.૯.૧૫ લાખની છેતરપિંડી કર્યા ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત છ શખ્સો સામે ઠગાઇનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આદિપુર ગોલ્ડન સિટી પ્લોટમાં રહેતી પ્રિયંકાબેન નિખીલભાઇ નામની પટેલ મહિલાએ આદિપુર મેઘપરની ઝરીનાબેન અનવરભાઇ લંઘા, અનવર લંઘા, ઇબ્રાહીમ શેખ ડાડા, નુરશા શેખ ડાડા અને એક અજાણ્યા શખ્સ સામે રૂ.૯.૧૫ લાખની છેતરપિંડીની અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રિયંકાબેન પટેલે પોતાને ત્યાં રહેલું જૂનુ ફર્નિચર વેચવા માટે ઓએલએકસ પર જાહેરાત સ્વરૂપે મુકતા આદિપુર મેઘપરની ઝરીનાબેન લંઘા નામની મહિલા ભંગાર જોવા માટે આવી હતી. રૂ.૫ હજારમાં ટીવી શોકેસ અને કબાટ ખરીદ કરી તેના બદલામાં ચેક આપ્યો હતો.
જૂનું ફર્નિચરની ખરીદી બાદ પરિચયમાં આવેલી ઝરીનાબેન અવાર નવાર મળવા આવતી ત્યારે પ્રિયંકાબેન પટેલના માતા પ્રેમિલાબેનને સસ્તામાં સોનાના બિસ્કીટ આપવાની લોભામણી લાલચ દીધી હતી. પ્રેમિલાબેનના કહેવાથી પ્રિયંકાબેને કટકે કટકે રૂ.૯.૧૫ લાખ સસ્તામાં સોનાના બિસ્કીટ લેવા માટે આપ્યા બાદ ઝરીનાબેને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સસ્તામાં સોનાના બિસ્કીટ માટે રૂ.૯.૧૫ લાખ પૈકી છેલ્લુ પેમેન્ટ રૂા.૪ લાખનું આપ્યું ત્યારે જી.જે.૧૨. ૯૧૭૮ નંબરની કારમાં ઝરીના તેનો પતિ અનવર, ઇબ્રાહીમ, કરીમ, નરસા શેખ ડાડા અને એક્ટિવા પર એક અજાણ્યો શખ્સ આવ્યા હતા રૂા.૪ લાખ રોકડા લીધા બાદ બિસ્કીટ સોનીને બતાવીને આપવા છે તમે પાછળ આવો તેમ કહી તમામ શખ્સો ભાગી જઇ છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. એએસઆઇ ઇશ્ર્વરસિંહ ચૌધરીએ ગુનો નોંધી તપાસ હાથધરી છે.