- દુકાનદારો પાસેથી 2780 રૂપિયા લઇ સ્થળ પર જ બોગસ લાયસન્સ અપાય છે!
સુરત: સરથાણા વિસ્તારમાં FSSAIના લાયસન્સ આપવાના નામે છેતરતી ટોળકી સક્રિય હોવાનું સામે આવ્યું હતું. જેમાં ખાણીપાણીની દુકાનો અને કરિયાણા સ્ટોરના ધારકોએ ખાદ્ય સુરક્ષા અંગેનું FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે. આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટોળકી સરથાણા વિસ્તારમાં સક્રિય છે. આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણા પડાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ અંગે વિશ્વસનીય સૂત્રો પાસે થી મળતી માંઘ્જતી મુજબ ખાણીપીણીની દુકાનો તેમજ ખાદ્યચીજોના કરિયાણા સ્ટોર ધારકોએ FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે. જે શહેરી વિસ્તારમાં મનપા મારફતે મળે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં તો આવા છેતરપીંડી કરતા તત્વો સક્રિય હશે જ પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકીની સક્રિયતા વધુ હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાણીપીણીની દુકાનો ધમધમે છે. આવી દુકાનોના સંપર્ક કરીને દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવી FSSAIનું બોગસ લાયસન્સ થોડીક મિનિટોમાંj આપી દેવામાં આવે છે.
મનપા કર્મચારીઓ જેવો પહેરવેશ પહેરી આવતી હતી યુવતીઓ
FSSAIના લાયસન્સના નામે નાણા પડાવતી ટોળકી દ્વારા જે યુવતીઓને કામ પર રાખવામાં આવી છે. તેને મનપાના આછા ભૂરા રંગનો ડ્રેસ પહેરાવવામાં આવે છે. ત્યારે યુવતીઓ દુકાનદાર પાસે જાય જેથી તે તેના ડ્રેસ પરથી એવું માની લે કે આવેલી યુવતીઓ મનપાની કર્મચારીઓ જ હશે. તેમજ આ યુવતીઓને FSSAIના લાયસન્સ વિશે જાણકારી પણ અપાય છે જેથી દુકાનદારોને છેતરવામાં સરળતા રહે. આસ અઠે તેમના દ્વારા ઓનલાઈન ફી અને રૂ. 2680 સહિતના રૂપિયા વિવિધ ચાર્જના નામે વસુલી તેની રસીદો પણ આપવામાં આવે છે. ત્યારે આ ટોળકીના અનેક લોકો ભોગ બન્યા હોવાનું હાલ સામે આવ્યું હતું.
સમગ્ર બનાવની વિગત દુકાનદારે આપી પોલીસને
સરથાણા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને કરિયાણા સ્ટોર્સના સંચાલકો પાસેથી એફએસએસએઆઇના નામે નાણા પડાવતી બે યુવતીઓ એક દુકાનદારને ત્યાં પહોંચી હતી. આ જાગૃત દુકાનદારને શંકા જતા તેણે બંને યુવતીઓનું ક્રોસ વેરિફિકેશન કરાવ્યું હતું. જેમાં એ અધિકૃત કર્મચારી નહીં પણ કોઈક એજન્ટના માટે કામ કરતી હોવાનું ખુલ્યું હતું. દુકાનદારે સીસીટીવીની ફુટેજ સહિતની વિગત સાથે સરથાણા પોલીસને માહિતી આપી હતી
લાયસન્સ માટે ઓનલાઈન અરજીની ફી માત્ર 100 રૂ.
FSSAIના લાયસન્સ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની ફી માત્ર રૂ. 100 હોય છે. તેમજ રજીસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસણીને લાયસન્સ જારી કરવામાં આવતું હોય છે. આ સાથે જે સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર રૂા. 12 લાખથી વધુ હોય એવી સંસ્થા માટે રજીસ્ટ્રેશન ફી રૂ. 2000 હોય છે.
ભાવેશ ઉપાધ્યાય