રાજકોટના ત્રણ વેપારીને ગઠીયાઓએ 43 લાખનું બુચ માર્યુ
સંત કબીર રોડ પર સોની વેપારી સાથે રૂ.18.49 લાખના ચાંદીના ઘરેણાંની ઠગાઇ: ગીતાનગરના વેપારી સાથે જામનગરના શખ્સે રૂ.4.69 લાખનો બ્રાસપાર્ટનું ચુકવણું ન કરી વિશ્વાસઘાત કર્યો
શહેરમાં ચોર, લૂંટારા અને ધૂતારાનો પડાવ હોય તેમ મોટી ચોરી અને લૂંટનો ભેદ ઉકેલાયા નથી ત્યાં ત્રણ વેપારીઓ સાથે 43 લાખની છેતરપિંડી થયા અંગેની પોલીસમાં જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે જામનગરના એક શખ્સ અને રાજકોટના બે શખ્સો સામે છેતરપિંડી અંગેના ગુના નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર રહેતા અને ગોવિંદ બાગ શાક માકેર્ટ પાસે શ્રી સત્યમ સિલ્વર નામના પેઢી ધરાવતા ધર્મેશભાઇ શંભુભાઇ તાલપરાએ વિમલનગર મેઇન રોડ પર રહેતા અને માનસી સિલ્વર નામની પેઢી ધરાવતા પ્રવિણભાઇ રવજીભાઇ અકબરી સામે રુા.19.93 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ધર્મેશભાઇ તાલપરા પાસેથી વેપારી સંબંધના દાવે પ્રવિણ અકબરીએ કટકે કટકે મિકસ ચાંદીના 41.818 કિલો ઘરેણા મેળવ્યા હતા જેનું પેમેન્ટ 19.93 લાખનો ચેક લખી આપ્યો હતો. ચેક બે દિવસ પછી બેન્કમાં નાખવાનું બેન્કમાં પેમેન્ટ સ્ટોપ કરાવી નાખી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સંત કબીર રોડ પર ચંપકનગરમાં રહેતા ગજાનંદભાઇ દાદુભાઇ શીંદે સંત કબીર જે.પી જવેર્લસ નામે પેઢી ધરાવતા જલ્પેશ જેરામ નારણીયા સામે રુા.18.49 લાખની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગજાનંદભાઇ શિંદે સાથે જલ્પેસ નારણીયાને વેપારી સંબંધ હોવાથી ધંથા માટે કટકે કટકે ચાંદીના ઘરેણા આપ્યા હતા. તેના પેમેન્ટના રુા.18.49 લાખની ઉઘરાણી કરવા ઉશ્કેરાયેલા જલ્પેશ નારાણીયાએ પેમેન્ટ ન ચુકવી ખૂનની ધમકી દીધાનુ ફરિયાદમાં જણાવ્યું છે.
ગીતાનગર શેરી નંબર 6માં રહેતા મેસીવ ટ્રેડીંગ નામને બ્રાસ અને કોપરની શિટનો વ્યવસાય કરતા માનવભાઇ મહેન્દ્રભાઇ કંટારીયાએ જામનગરમાં ઓસિયન બ્લુ નામે પેઢી ધરાવતા સન્ની લાહોટ નામના શખ્સ સામે રુા.4.69 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
માનવભાઇ કંટારીયાએ જામનગરના શન્ની લાહોટ સાથે વેપારી સંબંધો ધરાવે છે. તેઓએ રુા.4.69 લાખના બ્રાસની શિટ શન્નીને આપી હતી તેનું પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.