સુરતને હીરાની મૂરત તરીકે ઓળખવામાં આવે છે. અહી દેશ-વિદેશના લોકો હીરા ખરીદવામાં માટે આવે છે. નાના-મોટા જ્વેલર્સો દ્વારા વિદેશથી મળતા જ્વેલેરી ઓર્ડર પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. પહેલા વિદેશમાં કોઈ પણ વસ્તુ મોકલવા માટે ખર્ચો વધારે થતો હતો. પરંતુ આ સમસ્યા પણ ભાજપ સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે. આજે સુરત ખાતે આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્રનો શુભારંભ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યો.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ તથા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ફોરેન પોસ્ટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવાનો પ્રારંભ થવાથી સુરતના નાના-મોટા જવેલર્સોને વિદેશથી મળતા જવેલરી ઓર્ડરને પોસ્ટ દ્વારા ડિલેવરી કરવામાં સરળતા રહેશે.
આ કાર્યક્ર્મમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સુરત માટે હાલ ગોલ્ડન પિરિયડ છે, જવેલર્સો દ્વારા ઘણા વર્ષોની માંગણી હતી જે આજે કેન્દ્ર સરકારે પુર્ણ કરી છે. સી.આર પાટીલે કોરોનાના કપરા સમયમાં આદરણીય વડાપ્રધાને કરેલ કામગીરી અંગે જણાવ્યું કે કોરોના સમયમાં કેન્દ્ર સરકારે ખૂબ સારી કામગીરી કરી છે. કોરોનામાં કોઈ ગરીબ ભુખ્યુ નથી સુતુ અને ભૂખમરાથી કોઇનું મોત નથી.
સી.આર પાટિલે વધુમાં જણાવ્યું કે ટુંક સમયમાં સુરત થી બીલીમોરા ટ્રેન શરૂ થશે જેથી સુરત થી બીલીમોરા માત્ર 19 મીનીટમા પહોચી શકાશે અને એક સપ્તાહમાં હવે ફલાઇટ પણ શરૂ થશે જેમાં સુરત થી રાજકોટ,ભૂજ,અમરેલી અને ભાવનગરની ફ્લાઇટને મંજૂરી મળી ગઇ છે જેનો લાભ પણ જલ્દી સુરતવાસીઓને મળશે.
આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, સુરત ધારાસભ્ય વિવેકભાઇ પટેલ, વિ.ડી ઝાલાવાડીયા, અરવિંદભાઇ રાણા સહિત ગુજરાત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.