- મિનિમમ 20 હજાર કમિશન માટે હવે 97ને બદલે 93 ટકા વિતરણની શરત માન્ય રાખી એસોસિએશને હડતાલ પાછી ખેંચી
- સસ્તા અનાજના વેપારીઓએ હડતાળ સમેટી લીધી છે. જેને પગલે લાભાર્થીઓમાં હાશકારો જોવા મળી રહ્યો છે.મિનિમમ 20 હજાર કમિશન માટે હવે 97ને બદલે 93 ટકા વિતરણની શરત માન્ય રાખી એસોસિએશને હડતાલ પાછી ખેંચી હોવાની સતાવાર જાહેરાત કરી છે.
દર મહિને મિનિમમ રૂપિયા 20 હજાર કમિશન આપવામાં 97 ટકા વેચાણની શરત રદ્દ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત રાજ્યભરના 16811 સસ્તા અનાજના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જતા ચાલુ માસના 9 દિવસ વીતવા છતાં ગરીબોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને દિવાળીનું સીંગતેલ ન મળતા દેકારો બોલી જતા બુધવારે વેપારી મંડળ અને સરકાર વચ્ચે મંત્રણા સફળ રહેતા હડતાળ સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી ચલણ જનરેટ કરવા, પૈસાનુ ચુકવણુ કરવા તથા જથ્થો ઊપાડી લેવા વેપારીઓને આહવાન કરી અસહકાર આંદોલન સ્થગીત કરવામા આવ્યું હોવાનું જાહેર કર્યું હતું.સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના વેપારીઓના સંગઠન ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર એસોશિએશન તેમજ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા 1લી ઓક્ટોબરથી સરકાર સામે અસહકારનું આંદોલન છેડી જ્યાં સુધી મિનિમમ કમિશન આપવામાં રાખવામાં આવેલ 97 ટકા વિતરણની શરત દૂર નહીં થાય ત્યાં સુધી જાહેર વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરી દેતા ચાલુ મહિનામાં ગરીબ રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ કે દિવાળી નિમિતે મળનારું સીંગતેલ મળ્યું નથી.બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા પડી ભાંગતા બુધવારેરાજ્યના પુરવઠા સચિવે ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી અને રાજેન્દ્રસિહ જાડેજા સાથે બેઠક યોજી 20 હજાર મિનિમમ કમિશન માટે 97 ટકા ને બદલે 93 ટકા વિતરણનો વિકલ્પ આપતા બન્ને પક્ષે સહમતી સધાતા હડતાળને સમાપ્ત કરી રાજ્યના તમામ વેપારીઓને ચલણ જનરેટ કરી માલ ઉપાડવા સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સુધીમાં રાજ્યના 16811 પૈકી 9341 પરવાનેદારોએ ચલણ જનરેટ કરતા કુલ 56 ટકા ચલણ જનરેટ થયા હોવાનું તેમજ અનેક વેપારીઓએ પૈસા પણ ભરી દીધા હતા જેમાં રાજકોટ શહેરમાં 185 પૈકી 13 જેટલા સસ્તા અનાજના વેપારીઓએ ચલણ જનરેટ કર્યા હોવાનું તેમજ 3 વેપારીઓને ગોડાઉનથી દુકાન સુધી માલ પણ મોકલી આપવામાં આવ્યો હતો. જો કે, સસ્તા અનાજના વેપારીઓની હડતાલ સમાપ્ત થતા હવે આજથી જ રેશનકાર્ડ ધારકોને માલ મળવા લાગશે.