ભારત સરકાર 12,000 રૂપિયા સુધીની કિંમતના ચાઈનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. મોબાઈલ માર્કેટની દૃષ્ટિએ ભારત વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે. 12,000 રૂપિયા સુધીના સ્માર્ટફોનનું માર્કેટ ખૂબ જ મોટું છે.
તેના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. મોટાભાગની ચીની કંપનીઓના સ્માર્ટફોન આ શ્રેણીના છે. જો હકીકતમાં સરકાર 12,000 રૂપિયા સુધીના ચાઈનીઝ ફોન પર પ્રતિબંધ લગાવે છે, તો ઘણી ચીની કંપનીઓએ ભારત છોડવું પડશે, જો કે તમે એ પણ જાણો છો કે ભલે આ મોબાઈલ કંપનીઓ ચાઈનીઝ છે પરંતુ વિવો, ટેકનો, શાઓમી,રિયલમી, ઓપો અને ઇનફિનિક્સના ફોન ભારતમાં જ તૈયાર થઈ રહ્યા છે. આ તમામ કંપનીઓના ફોન પર મેડ ઇન ઇન્ડિયા ટેગ પણ લગાવાય છે.
ભારતીય માર્કેટમાં શાઓમીનો સૌથી મોટો હિસ્સો છે. તેના ફોન ભારતમાં એમઆઈ, રેડમી, પોકોની બ્રાન્ડિંગ હેઠળ વેચાય છે. સરકારના આ નિર્ણયથી શાઓમીને સૌથી વધુ નુકસાન થશે.
આ રેન્જમાં રિયલમીના લગભગ 5-7 સ્માર્ટફોન છે જે ખૂબ જ લોકપ્રિય છે. શાઓમી પછી, બીજા નંબર પર, રિયલમીને સૌથી વધુ નુકસાન થશે. આ રેન્જમાં વિવોના માત્ર 2-4 ફોન છે જે સરકારના નિર્ણયની ઝપેટમાં આવી શકે છે. ઓપોનું નામ ચોથા નંબર પર છે. 12,000 રૂપિયાની રેન્જમાં ઓપો ફોન બહુ ઓછા છે પરંતુ 2-4 ફોનને આ નિર્ણય બાધારુપ બની શકે છે.
મોટોરોલા પણ હવે ચીનની કંપની છે. મોટોરોલા હવે લેનોવોની માલિકીની છે. મોટોરોલા પાસે 12,000 રૂપિયાની રેન્જમાં યોગ્ય સંખ્યામાં ફોન પણ છે. સરકારના આ પ્રતિબંધની મોટોરોલા પર પણ ખાસ્સી અસર પડશે.
સરકારનું આ પગલું શાઓમી જેવી ચીની કંપનીઓ માટે મોટો ઝટકો બની શકે છે. વાસ્તવમાં, ચાઇનીઝ બ્રાન્ડે સ્થાનિક સ્માર્ટફોન નિર્માતાઓમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જેના કારણે સરકારે આ પગલું ભરવું પડ્યું છે. આ બાબતથી માહિતગાર લોકોને ટાંકીને એક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ભારત સરકાર ચીની સ્માર્ટફોન ઉત્પાદકો પર પ્રતિબંધ મૂકવાની નીતિ જાહેર કરશે કે બિનસત્તાવાર ચેનલોનો ઉપયોગ કરશે તે સ્પષ્ટ નથી.
2020માં સરહદ વિવાદ પછીના રાજકીય તણાવને કારણે ઘણી ચીની કંપનીઓને ભારતમાં વેપાર કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. ભારતે 300 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં સુરક્ષાની ચિંતાઓને ટાંકી છે અને ભારતમાં રોકાણ કરતી ચીની કંપનીઓ માટે નિયમો પણ કડક બનાવ્યા છે. આ ઉપરાંત ઓપો અને વિવો સામે તો મનીલોન્ડરિંગના પણ આક્ષેપો બાદ ઇડીએ કાર્યવાહી કરી હતી.