માધવપુર એટલે કે સૌરાષ્ટ્રના લીલી નાઘેર વિસ્તાર અને શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી એવા આધ્યાત્મીક સ્થાને વર્ષોથી પરંપરાગત રીતે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની ઉજવણી સંપન્ન થાય છે.
પોરબંદરથી વેરાવળ જતા કોસ્ટલહાઇવે ઉપર માધવપુર(ઘેડ) ૬૦ કિ.મી.ના અંતરે આવેલ છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે. ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે.
આજરોજ ચૈત્રી બારસ ના રોજ પરંપરાગત રીતે ભગવાન શ્રીકૃષ્ણની જાન રંગેચંગે ગામના મુખ્યમાર્ગેથી રાસ અને ગરબાની રમઝટ સાથે ભાવિકજનોના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચોરી માયરા ખાતે લઇ જવામાં આવી હતી. જયાં ભગવાન શ્રીકૃષ્ણનું રીતિરીવાજ અનુસાર સામૈયું કરી ચૌરી માયરા ખાતે રૂક્ષ્મણીજી સાથે વિવાહ વિધિવિધાન સાથે સંપન્ન થયા હતા.
ગ્રામજનો ઉત્સાહભેર આ પ્રસંગમાં જોડાયા હતા. આ વિવાહ પ્રસંગના યજમાન મુળ રહેવાસી માધવપુરના એવા ગીરીશભાઇ ધનજીભાઇ લુક્કા હતા.
આ પ્રસંગ પાંચ દિવસ સુધી ઉજવાય છે. જેમાં ચૈત્રી નવરાત્રીના નોમથી અગીયારસ સુધી શ્રીકૃષ્ણનું ગામમાં ફુલેકૂં કાઢવામાં આવે છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે. ત્યારબાદ બારસને દિવસે સવારે પાસેના કડછ ગામના લોકો મામેરૂં લઇને ધજા પતાકા અને ઘોડેસ્વાર સાથે રંગે ચંગે માધવપુર ખાતે પધારે છે. જેને લોકો સન્માન સાથે પરંપરાગત રીતે આવકારે છે. જયારે સાંજે શ્રીકૃષ્ણની જાન માધવરાયના નીજ મંદરથી આખા ગામમાં રાસ ગરબા અને લગ્નગીતોની રમઝટ બોલાવતા ગ્રામજનો સાથે નીકળે છે. શ્રીકૃષ્ણના રૂક્ષ્મણીજીના હરણની પરંપરા અનુસાર ગામના ભાગોળથી શ્રીકૃષ્ણના રથને દોડાવવામાં આવે છે. જે દ્રશ્ય અલૌકિક અનુભુતિ કરાવે છે.
ચૌરી માયરા ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયું કર્યા બાદ ચૌરી માયરા ખાતે લગ્ન વિધી સંપન્ન થાય છે. બીજે દિવસે બપોરે શ્રીકૃષ્ણની જાન પરત માધવપુર નીજમંદિર ખાતે પધારે છે. આમ કૂલ પાંચ સુધી આ લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. આ પાંચે દિવસ સુધી માધવપુર ખાતે લોકમેળો ભરાય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે માધવપુર ખાતે વિશેષરૂપે રાજય સરકાર દ્વારા માધવપુર ખાતે રાજયના ટુરીઝમ વિભાગના ઉપક્રમે પાંચ દિવસ સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાંચેય દિવસ સુધી દેશના જુદાજદા રાજયો જેવાકે રાજસ્થાન, અરૂણાચલ, મણીપુર, આસામ સહિતના રાજયોના કલાકારોએ તેઓની નૃત્ય, લોકનાટય તથા અન્ય કલાઓની રજૂઆત કરી હતી. જેને રાજયના રાજયપાલશ્રી ઓ.પી.કોહલી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સેવન સિસ્ટર્સ એવા પૂર્વોત્તર રાજયો મણીપુરના મુખ્યમંત્રીશ્રી એન.બીરેનસીંઘ, અને અરૂણાચલના મૂખ્યમંત્રીશ્રી પેમા ખાંડૂ અને અરૂણાચલના રાજયપાલ બ્રિગેડીયર (ડો.) બી.ડી.મીશ્રા જેવા મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.
આજરોજ ઉજવાયેલા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી વી.પી.પટેલ, કલેકટરશ્રી અશોક કાલરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.પી.નેમા, પ્રાંત અધિકારીશ્રી બાટી, અને ભાજપ અગ્રણીશ્રી ભગવાનજીભાઇ કરગટીયા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,