આત્માનું પરમાત્મા તરફનું પ્રયાણ
જો આપણે ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણુ રક્ષણ કરશે
અષાઢ સુદ અગિયારસ થી લઈને કારતક સુદ અગિયારસ સુધીના ચોમાસાના ચાર મહિના ને હિંદુ ધર્મમાં “ચાતુર્માસ” કહેવાય છે. જૈનોમાં અષાઢી પૂનમ થી કારતકી પૂનમ સુધી ચાતુર્માસ ગણાય છે. આ દિવસોમાં વ્રત, પૂજા, ભક્તિ સવિશેષ કરવામાં આવે છે.
અષાઢ સુદ અગિયારસ એટલે “દેવ શયની” એકાદશી અને કારતક સુદ અગિયારસ એટલે “દેવ ઉઠી એકાદશી”. ચોમાસાની ઋતુના ચાર મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો ધર્મ – ધ્યાન અને સાધના – આરાધના માં વ્યતિત કરવા જોઈએ. દેવશયની એકાદશી એ જગતના પાલનહાર શ્રી વિષ્ણુ હરી પોઢી જાય છે, પરિણામે પૃથ્વી ઉપર દાનવ, અસુર કે નકારાત્મક તત્વોની અવાર-જવર વધી જાય છે. આ દિવસો દરમિયાન સૂર્યનારાયણ પણ ઉતરાયણ માંથી દક્ષિણાયનમાં પ્રવેશે છે, જેથી તેનું તેજ ઓછું થઈ જાય છે. આ કારણોસર વિવાહ લગ્ન કે ગ્રહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો ચાતુર્માસ દરમિયાન થઈ શકતા નથી. અષાઢી બીજ સુધીમાં વાવણી થઈ ગઈ હોવાથી ખેડૂતો પણ જ્યાં સુધી પાક ન થાય ત્યાં સુધી નવરા હોય છે. આ દિવસોમાં ધર્મ ધ્યાન તથા દાન પુણ્ય નું મહત્વ અનેરૂ છે. આમ દેવ ઉઠી એકાદશી સુધી ચાતુર્માસ કહેવાય છે.
આ ચાર મહિના વરસાદ પડતો હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે આપણી પાચનશક્તિ નબળી પડે છે, તેમજ ખોરાક અને પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ થઈ જતું હોવાથી ચાતુર્માસ માં વ્રતનું મહત્વ રહેલું છે. એમાંયે પહેલો મહિનો સૌથી વધારે મહત્વનો છે, જેમાં વ્રતનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આખો મહિનો ઉપવાસ કરવાથી જઠ્ઠરાગ્નિ શાંત થાય છે, પરિણામે આખું વર્ષ તંદુરસ્તી સારી રહે છે. પરંતુ અત્યારના લોકો ઉપવાસ કે વ્રત માં ખૂબ જ ફરાળ કરે છે સીંગદાણા, સાબુદાણા અને બટેટા ખાવાથી તબિયત વધારે ખરાબ થાય છે. ફરાળ એટલે ફળ + આહાર = ફળાહાર
પ્રાચીન સમયમાં ચાતુર્માસ માં ઋષિમુનિઓ વનમાં તપ કરવા જતા રહેતા. ત્યાં તાજા ફળ ફ્રૂટ આરોગીને, વહેતી નદીનું જળ પી ને સાધના કરતા.
ચાતુર્માસ દરમ્યાન પવિત્ર શ્રાવણ માસ માં શિવભક્તો તામસી ખોરાક નો ત્યાગ કરે છે અને ફક્ત ફળાહાર અને જળ પી ને જ ઉપવાસ કરે છે. ત્યારબાદ ગણેશોત્સવ, શ્રાદ્ધ, નવરાત્રી તેમજ દિવાળી પર્વ માં પણ ફળાહાર કરીને વ્રત ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જમીન પર પથારી કરીને સુવું, સૂર્યોદય પહેલા ઉઠી જવું અને દિવસમાં એક જ વખત સાત્વિક ભોજન કરવું એ હિન્દુ ધર્મમાં ચાતુર્માસમાં પાળવાના નિયમ છે.
જૈન ધર્મમાં ચાતુર્માસ નુ અધિક મહત્વ હોય છે. કંદમૂળમાં અનેક જીવોની ઉત્પતિ થતી હોવાથી જૈન લોકો ચાતુર્માસ દરમ્યાન કંદમૂળનો ત્યાગ કરે છે. સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવું અને ઉકાળેલું પાણી પીવું. તેમજ રીંગણા,ફૂલકોબી કે પાંદડાંવાળી લીલોતરી નો પણ ત્યાગ કરે છે. ચાતુર્માસ માં જ જૈનોનું મહાપર્વ પર્યુષણ આવે છે, ત્યારે તેઓ તપ,દર્શન,પૂજા, મૌન વગેરે જેવી ક્રિયા કરીને ધર્મ ધ્યાન આચરે છે. ચાતુર્માસમાં વરસાદના કારણે વધારે પડતાં જીવજંતુ માટીમાંથી બહાર નીકળે છે, તે કારણે જૈન સાધુ સાધ્વી એક જ જગ્યા એ સ્થિર વાસ કરીને ધર્મ આરાધના માં રત રહે છે. આ દિવસો માં તપ સાધના જલ્દી સિદ્ધ થાય છે.
આત્માથી પરમાત્મા તરફ,
વાસના થી ઉપાસના તરફ,
અહં થી અર્હમ તરફ,
ભોગ થી યોગ તરફ,
હિંસા થી અહિંસા તરફ,
પ્રદર્શન થી દર્શન તરફ,
આશક્તિથી અનાશક્તિ તરફ જવા માટે સત્સંગ, ભક્તિ અને સ્વાધ્યાય માટે તપસ્યાની સીઝન આવી છે. ટૂંકમાં ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યોનો નિષેધ હોવાથી ધાર્મિક કાર્યો કરવા જોઈએ. દાન ધર્મનો મહિમા પણ અતિશય રહેલો છે. સનાતન ધર્મ વિજ્ઞાન આધારિત હોવાથી દરેક લોકોએ ભક્તિ – સત્સંગ કરીને ધર્મનું રક્ષણ કરવું જરૂરી છે. જો આપણે ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે…