Abtak Media Google News

ગિરનારની ધન્ય ધરા પર રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના નવનિર્મિત પારસધામના આંગણે ચાતુર્માસ મંગલ પ્રવેશ

ભવ્યાતિભવ્ય સ્વાગત શોભાયાત્રા અને 99,99,999 શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સાધનાના સંકલ્પ

સમયરૂપી અમૂલ્ય સિક્કાનો સદ્ ઉપયોગ કરીને, આ ચાતુર્માસને સાર્થક કરી લેવાના પરમ હિતકારી બોધ સાથે ગિરનારની ધન્ય ધરા પર નવનિર્મિત પારસધામના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના “ગિરનાર વંદનમ્ વર્ષાવાસ” ચાતુર્માસ મંગલ પ્રવેશનો અવસર અત્યંત ભવ્યતાથી ભક્તિભીના વધામણે ઉજવાયો હતો.

ગુરુ ભગવંત પ્રત્યેની અહોભાવની પ્રદક્ષિણા વંદના અને ગુરુચરણ પૂજનના માંગલ્યથી પ્રારંભ થયેલી શોભાયાત્રા રાજસ્થાની લોક પરંપરાગત ઘુમર નૃત્ય-ગીત, આગમ ગાથાના ગુંજારવ, તીર્થંકર વંદનાવલી અને ગિરનાર ભૂમિ પર ઇતિહાસ રચી ગયેલા વંદનીય પાત્રોની સ્મરણીય ઝલક સાથે, ગિરી વંદનમ્, ગુરુ વંદનમ્, ગુણ વંદનમ્ નો નાદ ગજાવતી વાજતે -ગાજતે ડુંગર દરબારના આંગણે વિરામ પામી હતી, જ્યાં ચાતુર્માસ શુભેચ્છા અવસર યોજાયો હતો.

Screenshot 2 53

આ અવસરે પરમ ગુરુદેવને ચાતુર્માસ શુભેચ્છાની અર્પણતા કરવા ગોંડલના રાજવી પરિવારના   જ્યોતિર્મયસિંહજી જાડેજા આદિ સભ્યો, પોરબંદર વિસ્તારના સાંસદ  રમેશભાઈ ધડુક, ગોંડલના વૈયાવચ્ચ પ્રેમી ડો.   સુખવાલા સાહેબ, જૂનાગઢના કમિશનર  તન્ના  , ધારાસભ્ય,   સંજયભાઈ કોરડીયા, સનાતન પંથના સંતો જુનાગઢ સ્થિત નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ આદિ અનેક મહાનુભાવો સાથે મુંબઈ- ઘાટકોપરના એમ. એલ. એ.પરાગભાઈ શાહ તેમજ ગોંડલ, જેતપુર, જુનાગઢ, સમસ્ત રાજકોટ, જામનગર, વેરાવળ, ધારી, બગસરા, સાવરકુંડલા, ઢસા, ખાંભા, માળીયા, સાવરકુંડલા, વડીયા, આદિ સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘ શ્રેષ્ઠીવર્યો ઉપરાંત મુંબઈના ઘાટકોપર, બોરીવલી, કાંદિવલી,  પાર્લા, મલાડ, મુલુંડ, ડોંબીવલી આદિ 65થી વધારે શ્રી સંઘોની સાથે ગુજરાત, પૂર્વ ભારત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના અનેક સંઘ શ્રેષ્ઠીવર્યો  અને હજારો ભાવિકોએ ઉપસ્થિત રહીને શુભેચ્છા અર્પણ કરી હતી. પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક  ઉવસ્સગ્ગહરં સ્તોત્રની જપ સાધના સાથે આ સ્તોત્રની 99,99,999 જપ સાધનાના વિરાટ અનુષ્ઠાનમાં જોડાઈ જવાના હજારો ભાવિકોના સંકલ્પનો જયનાદ ગૂંજી ઉઠ્યો હતો.

ચાતુર્માસના સમયને સાર્થક કરી લેવાનો બોધ આપતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, ચાતુર્માસનો આ ગોલ્ડન ટાઈમ ગોડ સાથે કનેક્ટ થવા માટે પ્રાપ્ત થયો છે. જેટલો સમય દિવ્ય તત્ત્વો, પરમ તત્ત્વો કે ગુરુ પરમાત્મા સાથે વ્યતીત થાય છે તે સાર્થક બની જાય છે બાકીનો સમય સંસાર ભાવમાં વ્યર્થ બની જાય છે.સમગ્ર ચાતુર્માસના અનન્ય લાભાર્થી અને ચાતુર્માસ સંઘપતિ  અવંતીભાઈ કાંકરિયાનું સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘ પદાધિકારીઓએ ગૌરવવંતી પાઘડી અને શાલ સાથે સન્માન કરતાં હર્ષ -હર્ષ છવાયો હતો.  મૂલરાજભાઈ છેડા અને  અવંતીભાઈ કાંકરિયા પરિવાર દ્વારા અહોભાવથી આગમ ગ્રંથોના કરવામાં આવેલાં વધામણા બાદ, કાંકરિયા પરિવાર પરમ ગુરુદેવના કરકમલમાં અહોભાવથી આગમપોથી અર્પણ કરીને ધન્ય બન્યાં હતાં.

વિશેષમાં, અસાધ્ય જીવલેણ રોગોથી પીડાઈને જીવનનો અંતિમ સમય વ્યતીત કરી રહેલાં વડીલો માટે પારસધામ- ગિરનારમાં એમના રહેવા- જમવાની સગવડતા તેમજ એમની સેવા-સુશ્રુષાની અને એમને અંતિમ આરાધના કરાવીને એમના મૃત્યુને સુધારતી કલ્યાણકારી યોજના “અંતિમ- આરાધના”ની જાહેરાત કરવામાં આવતાં ઉપસ્થિત સહુ અહોભાવથી નત મસ્તક બન્યાં હતાં. આ યોજનાનો સમગ્ર લાભ શ્રી અર્હન મનનભાઈ શાહ પરિવાર દ્વારા લેવાની જાહેરાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.