આર.આર.સેલે દરોડો પાડી ૪૦૦ લીટર ઈંધણ અને બે ટેન્કર મળી રૂ.૫૫.૮૪ લાખનો મુદામાલ કબજે
હાઈવેની હોટલો પર ટ્રકો, ટેન્કરોમાં ચાલકોની જ મીલી ભગતથી ચોરીના રેકેટ ચાલતા હોય છે. ચોટીલાના ખરેડી નજીક નાગરાજ હોટલ પર બે ટેન્કરમાંથી હવાઈજહાજોના ઈંધણ એટીએફ (એવીએશન ટર્બાઈન ફયુલ)ની ચોરીનું રેકેટ આર.આર.સેલની ટીમે પકડી પાડી ચાર શખ્સોની ધરપકડ કરી ૫૫.૮૪ લાખનો મુદામાલ કબજે લીધો હતો.અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીકની હોટલ પર રેન્જ આઈ.જી.સંદિપસિંહની સુચનાથી હાથ ધરાયેલા ચેકિગમાં બે ટેન્કરમાંથી હોટલ પર ફલાઈટમાં પુરવાનું ઈંધણ ચોરીનું કાસ્રતાન રંગે હાથ પકડાયું હતું.
સ્થળ પરથી ટેન્કર ચાલક મોરબી ટંકારાના ગણેશપરાના જેરામ નાનજી ભાગીયા, હર્ષદ ભગવાનજી માગીયા, હરીપરનના અતુલ લાલજી ચૌધરી તથા હોટલ પર કામ કરતા શર્વણ શ્યામ મંડલની ધરપકડ કરી હતી. બેરલમાં રહેલો ૪૦૦ લીટર જેવો ઈંધણનો જથ્થો બંને ટેન્કરો, ટ્રેકટર મળી ૫૫,૮૪,૪૬૭નો મુદામાલ કબજે લઈ હોટલ માલિક કનુ ભોજભાઈ ધાધલની શોધ આદરી છે. બંને ટેન્કર જામનગર રિલાયન્સ રિફાઈનરીમાંથી એટીએફ ભરીને અમદાવાદ એરપોર્ટ પર જતા હતા અને રસ્તામાં હોટલ પર ટેન્કરના ચાલકો અડધા ભાવે થોડો જથ્થો વેચી નાખતા હતા.