સુરતના બિલ્ડર – ભાગીદારને અન્ડરવર્લ્ડના નામે ધમકી
વેસુની જમીનનો વિવાદ સુલટાવવા ત્રણ માસમાં ચારવાર ધમકી આપી : સોપારી મહિધરપુરાના મનિષ પચ્ચીગરે આપેલી
વેસુની જમીનના વિવાદમાં સુરતના બિલ્ડર અને તેના ભાગીદારને વિતેલા ત્રણ માસ દરમિયાન ચાર વખત અંડરવર્લ્ડના નામે ફોન કરી વિવાદ સુલટાવા ખંડણી માંગનાર છોટારાજન ગેંગના પૂણે ખાતે રહેતા સાગરિત અને તેને સોપારી આપનાર સુરતના મહિધરપુરાના જમીન દલાલની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે.
સુરતના બિલ્ડર અને તેમના ભાગીદારના મોબાઇલફોન ઉપર ગત માર્ચ માસથી ધમકીભર્યા ફોન આવવા માંડયા હતા. વેસુની જમીનના વિવાદનો ઉલ્લેખ કરી ફોન કરનારે પોતાની ઓળખ કંપનીના સાગરિત શેખર તરીકે આપી જમીનનો વિવાદ સુલટાવવા ખંડણી માંગી હતી અને જો તેમ નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વિતેલા ત્રણ માસમાં કંપનીના નામે ચાર વખત ધમકીભર્યો ફોન કરી ખંડણી માંગનાર વિરૃદ્ધ આખરે બિલ્ડરે ગત ૨૦મીના રોજ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઇમ બ્રાંચને મોબાઇલ નંબર અને લોકેશનના આધારે ફોન મુંબઇ અને પૂણેથી થતાં હોવાનું જાણવા મળ્યું. આથી પી.એસ.આઇ. પી.કે. પટેલ અને ટીમ મુંબઇ રવાના થઇ હતી. જ્યાં છટકું ગોઠવી સુનીલ ઉર્ફે શેખર ઉર્ફે પ્રતાપ ભીખા જાધવ (ઉ.વ. ૩૮, રહે. પૂણે અથર્વ નિવાસ, સાંઇનાગર, શિવાજી ચોક, પૂણે)ને ઝડપી લીધો હતો અન તેને સુરત લાવી હતી.
મુંબઇમાં જમીન દલાલીનું કામ કરતા અને વર્ષ – ૨૦૦૧માં પૂણેમાં હત્યાના ગુનામાં યરવડા જેલમાં રખાયેલા શેખરની વર્ષ ૨૦૦૩માં ઓળખાણ છોટારાજન ગેંગના સાગરિત વિક્કી મલ્હોત્રા અને મહેશ મકવાણા સાથે થઇ હતી. ત્યારથી તે છોટારાજન ગેંગમાં જોડાઇ ગયો હતો.
ક્રાઇમબ્રાંચે શેખરની પૂછપરછ કરતાં તેને ખંડણી માટેની સોપારી સુરતના મહિધરપુરા ઘીયાશેરીના વિરાંતી એપાર્ટમેન્ટના ફલેટ નં. ૪૦૧, ૫૦૧માં રહેતા જમીન દલાલ મનીષ અશોકભાઇ પચ્ચીગરે આપ્યાની કબુલાત કરી હતી. ક્રાઇમ બ્રાંચે મનીષની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. અંડરવર્લ્ડના નામે શહેરના અન્ય કોઇ બિલ્ડરને ધમકી અપાઇ છે કે કેમ? તે અંગે પણ તપાસ શરૃ કરાઇ છે.
વેસુની જમીનનો વિવાદ શું હતો
મનીષ પચ્ચીગરે ક્રાઇમબ્રાંચને જણાવ્યું હતું કે, વેસુની જમીનના વિવાદમાં જે બિલ્ડરને ધમકી અપાઇ હતી તે બિલ્ડરે વર્ષ ૨૦૦૩માં તે જમીન ખેડૂત પાસે ખરીદી હતી. વર્ષ ૨૦૦૪માં ખેડૂતે જમીન ખોટા દસ્તાવેજ, સાટાખત બનાવી અન્યોને વેચી દેતાં વિવાદ સર્જાયો હતો. આ અંગે બિલ્ડરે હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. જેનો ચૂકાદો ગત વર્ષે આવતા બિલ્ડર જીતી ગયા હતા. તે સમયે મનીષ કેસ હારી જનારાઓ પાસે ગયો હતો અને એમ.ઓ.યુ. કરાવી લખાણ લખાવી રૃ. ૨૧ કરોડ હારી જનારાઓને આપવાનું નક્કી કરી જમીનનો સોદો પોતાના હાથમાં લઇ લીધો હતો.
બિલ્ડર સાથે વાતચીતમાં કોઇ ઉકેલ ન આવતાં મુંબઇમાં પણ છેલ્લા સાત વર્ષથી જમીનનો વ્યવસાય કરતા મનીષે મુંબઇમાં જમીનોના કામકાજ દરમિયાન સંપર્કમાં આવેલા અને છોટારાજન માટે કામ કરતા શેખરને વેસુની જમીનનો નિકાલ લાવવા સોપારી આપી હતી. જો કે, સોપારી માટે કોઇ રકમ નક્કી કરાઇ ન હતી. કામ પતે પછી શેખરને પૈસા આપવાનું મનીષે નક્કી કર્યું હતું. ક્રાઇમ બ્રાંચ હાલ બંનેની પૂછપરછ કરી રહી છે.