પ્રદુષણ નિયંત્રણ બોર્ડની લાપરવાહીના કારણે પ્રદુષણ માફીયાઓ બેફામ

ગોંડલ તાલુકાના વેકરી અને ચરખડી ગામે ગેરકાયદેસર ધમધમી રહેલા સોફર પ્લાન્ટના ભયંકર પ્રદૂષિત પાણીથી આજુબાજુના ખેતરો બંજર બની જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. અંદાજે 8 થી 10 ગામના ખેડૂતોએ સમયાંતરે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આર્થિક સુખ મેળવી લેનાર પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  રિતસરનું ઘોરી રહ્યાના આક્ષેપો થયા છે.

ગોંડલ તાલુકાના વેકરી અને ચરખડી ગામની સીમમાં સાડી ધોલાઈ માટે સોફર પ્લાન્ટ ધમધમી રહ્યા છે. આ સોફર પ્લાન્ટના સંચાલકો ભયંકર કેમિકલ યુક્ત પાણી આજુબાજુમાં વોંકળામાં ખુલ્લામાં છોડતા હોવાથી પાણી છેક છાપરવાડી ડેમ સુધી પહોંચ્યું છે.

એક તબક્કે આવું પ્રદૂષિત પાણી હવે ભાદર – 2 ડેમ સુધી પહોંચી રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. જાણકારો કહે છે કે, વેકરી અને ચરખડીની સીમમાં ચાલતા સોફર પ્લાન્ટના પાણી જેતપુર તાલુકાના મેવાસા, હરિપર, પ્રેમગઢ, કેરાળી, લૂણાંગરા, જાંબુડી, રબારીક અને છેક નાના – મોટા ભાદરા સુધીના ખેતરો અને સિમતલ સુધી પહોંચી ગયા હોવાથી ખેડૂતો પાક બગડી જવાની સમસ્યાથી ત્રાસી ગયા છે. ઉપરોક્ત ગામના ખેડૂતો કહે છે કે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સત્તાધીશો આંખ આડા કાન કરે છે કે કારણ કે સોફર પ્લાન્ટના સંચાલકોએ તેઓને આર્થિક કોથળામાં પૂરી દીધાના આક્ષેપો થઈ રહ્યા છે.

આ બાબતે મેવાસા કેરાળી અનેક ગામો દ્વારા પ્રદૂષિત કલર કેમિકલ યુક્ત પાણી છોડવા બાબતે વારંવાર આંદોલન પણ કરવામાં આવ્યા છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બીજી બાજુ જાણકાર લોકોનું કહેવું છે કે છાપરવાડી ડેમ અધિકારી દ્વારા પ્રદૂષિત માફિયાઓ ઉપર ફરિયાદ પણ કરવી જોઈએ. જેતપુર ડા.એશો. પ્રમુખ બીજીબાજુ જેતપુર ડાઇંગ એશો. ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ જણાવ્યું હતું કે ગોંડલ પંથકમાં ચાલતા સાડી ધોવાના સોફર પ્લાન્ટ કાયદેસર છે કે ગેરકાયદેસર ? તે વાતને બાજુમાં મૂકીને જણાવું તો ત્યાંથી ફેલાતા પ્રદૂષણ યુક્ત પાણી છાપરવાડી ડેમ અને ભાદર – 2 ડેમ સુધી પહોંચતા હોવાથી અંતે જેતપુરનો સાડી ઉદ્યોગ બદનામ થાય છે. ખરેખર 150-200 જેટલા કારખાનેદારો કે જેઓ જેતપુરની આસપાસ કારખાના ચલાવે છે તેઓ એસોશીએશનના સભ્યો ન હોવાથી બેરોકટોક પ્રદૂષણ ફેલાવે છે.

અન્ય 1500 જેટલા કારખાનેદારો સભ્યો હોવાથી તમામની સાડીઓ ભાટગામ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ધોવાય છે. એટલે જેતપુરના ઉદ્યોગને બદનામ કરનારા તત્વોને ખુલ્લા પાડવા જોઈએ તેવું તેઓની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.