વૃક્ષો વાવી ભૂલી જવાનું નથી તેનો ઉછેર પણ કરવાનો છે: રાદડીયા
વન મહોત્સવની ઉજવણીએ કેબીનેટ જયેશ રાદડીયાનો સંદેશ
માત્ર વૃક્ષો વાવીને ભૂલી જવાનું નથી તેના વિકાસની પણ આપણી ફરજ છે. તેમ રાજયમંત્રી જયેશભાઇ રાદડીયાએ વન મહોત્સવની ઉજવણીએ જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતને હરિત ગુજરાત બનાવવાની નેમ સાથે દર વર્ષે વનમહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લો પણ આ ઝુંબેશમાં વધુ યોગદાન આપે તે હેતુથી જામનગર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા કાલાવડના નવા એ.પી.એમ.સી. ખાતે જિલ્લાકક્ષાના ૭૧મા વનમહોત્સવનીઅન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એ.પી.એમ.સી.માં મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી નિ:શૂલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મંત્રીશ્રીએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યો હતો.
વન વિભાગ જામનગર દ્રારા આયોજીત આ વન મહોત્સવમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ લોકોને વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, અનિયમિત વરસાદ અને ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારનું પ્રમાણ સરેરાશ ઓછું હોવાને કારણે તત્કાલીન સમયમાં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવનો પ્રારંભ કરેલો હતો. આજે પણ આ મહોત્સવ દ્વારા વનવિસ્તાર બહાર પણ વનીકરણની આ ઝુંબેશથી હરિયાળા ગુજરાત તરફ અગ્રેસર બનીએ,વધુમાં વધુ વૃક્ષો વાવી ગુજરાતને રળીયામણુ, હરીયાળુ બનાવીએ. પરંતુ માત્ર વૃક્ષો વાવીને ભૂલી જવું નહી, તેના વિકાસની ફરજ પણ આપણા ગુજરાતીઓની જ છે, ત્યારે વધુ વૃક્ષો વાવીએ, તેનું જતન કરીએ અને સંવર્ધન કરીએ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૪થી ગુજરાતમાં વન મહોત્સવની
ઉજવણી વ્યાપક બને તે અંતર્ગત વૃક્ષોથી ભરપુર વન બનાવવાની શરૂઆત કરી હતી. વન મહોત્સવમાં આજે ગુજરાત મોખરે છે. આ પ્રસંગે એ. પી. એમ. સી. કાલાવડના ચેરમેનશ્રી યુવરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખશ્રી કશ્યપભાઇ વૈષ્ણવ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગાંડુભાઇ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી રાધીકા પરસાણા,ચીફ ઓફિસર કાલાવડ, મામલતદારશ્રી કાલાવડ તેમજ વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોવિડની માર્ગદર્શિકા અનુસાર યોજાયો હતો.