પ્રથમ તબક્કામાં કાલે સવારથી બીઆરટીએસ રૂટ પર સીસીટીવી કેમેરાથી સજ્જ 16 ઈલેકટ્રીક બસ દોડવા માંડશે: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી લીલીઝંડી
રાજકોટના રાજમાર્ગો પર હવે ઈલેકટ્રીક બસ દોડતી નજરે પડશે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે જન આશિર્વાદયાત્રા પૂર્ણ કર્યા બાદ 23 ઈલેકટ્રીક બસનું વિધિવત લોકાર્પણ ર્ક્યું હતું. જો કે ચાર્જીંગ સ્ટેશનની અક્ષમતાના કારણે પ્રથમ તબક્કામાં કાલ સવારથી બીઆરટીએસ રૂટ પર માત્ર 16 જ બસ દોડાવવામાં આવશે. વધુ ચાર્જીંગ પોઈન્ટનું કામ પૂર્ણ થયા બાદ બાકીની 7 બસ દોડતી થઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે, પ્રથમવાર આંતરિક પરિવહનની સુવિધા પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા રાજકોટમાં 50 ઈલેકટ્રીક બસ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કે મહાપાલિકા દ્વારા 23 ઈલેકટ્રીક બસની ખરીદી કરવામાં આવી છે. જેનું આજે બપોરે કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઈલેકટ્રીક બસની બેટરી ચાર્જ કરવા માટે અમુલ સર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે પરંતુ હાલ આ ચાર્જીંગ સ્ટેશનમાં માત્ર 16 જ બસ ચાર્જીંગ થઈ શકે તેવી વ્યવસ્થા હોવાના કારણે આજે 23 બસનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોવા છતાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી માધાપર ચોકડીથી થઈ ગોંડલ ચોકડી સુધીના બીઆરટીએસ રૂટ પર માત્ર 16 બસ જ દોડાવવામાં આવશે.
શહેરની ટ્રાફીકની ગીચતા અને રસ્તાની પહોળાઈને ધ્યાનમાં રાખી 9 મીટરની મીડી ઈલેકટ્રીક બસ જે સંપૂર્ણ વાર્તાનુકુલીત અને સીસીટીવીથી સજ્જ રહેશે. મુસાફરો માટે બસમાં કુલ 27 સીટો રાખવામાં આવી છે. મનોરંજન માટે એફએમ રેડીયો સુવિધા, જીપીએસ ટ્રેકિંગ સીસ્ટમની સુવિધા, બસની અંદર-બહારની બાજુમાં કેમેરા, ઓટોમેટીક પ્રવેશ દ્વાર અને ઈમરજન્સી એક્ઝિટની સુવિધા, પબ્લીક એનાઉસ અને ઈન્ફોર્મેશન સીસ્ટમ, કલરફૂલ ઈન્ટીરીયર સહિતની સુવિધાઓ છે. કંપની દ્વારા 25 ઈલેકટ્રીક બસ સપ્લાય કરવામાં આવી છે. જે પૈકી 23 ઈલેકટ્રીક બસનું થર્ડપાર્ટી ઈન્પેકશનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં કાલથી 16 ઈલેકટ્રીક બસ બીઆરટીએસ રૂપ પર ચલાવવામાં આવશે.
આજે બપોરે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે 23 ઈલેકટ્રીક બસનું લોકાર્પણ કરવા ઉપરાંત પૃથ્વીરાજ ચૌહાણ પ્રા.શાળા નં.48ના નવનિર્મિત બીલ્ડીંગનું લોકાર્પણ, ઈડબલ્યુએસ-1 અને એમઆઈજી-1 આવાસની ફાળવણીનો ડ્રો પણ યોજાયો હતો.
આ તકે, આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય,
પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવદીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર વોર્ડ નં.14 નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિશોરભાઈ પરમાર, વોર્ડ નં. 14ના પ્રભારી હસુભાઈ ચોવટીયા, પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી વિપુલભાઈ માખેલા, નરેન્દ્રભાઈ કુબાવત વિગેરે ઉપસ્થિત રહેશે.