ભૂમાફીયા જયેશ પટેલ, વકીલ સહિત ૬૨ હજુ ફરાર
જામનગર નજીક દરેડમાં આવેલી સરકારી જમીનમાં દબાણ કરવા અંગેનો લેન્ડ ગ્રેબિંગ એકટનો જામનગર જિલ્લાનો સૌ પ્રથમ ગુનો દાખલ કરાયો હતો, જે પ્રકરણમાં પોલીસે આજે પકડાયેલા કુલ ૪૯ આરોપીઓ સાથેનું ચાર્જશીટ અદાલતમાં રજુ કર્યું છે. જેમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ તેમજ જામનગરના એક રેવન્યુ પ્રેક્ટિશનર સહિત ૬૨ આરોપીઓને હજુ ફરાર જાહેર કરાયા છે.
દરેડમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર ૧૩૧ અને ૧૩૨ વાળી જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી દબાણ કરવા અંગેનો સરકારી તંત્ર દ્વારા જાતે ફરિયાદી બનીને પંચકોષિ બી ડિવિઝન પોલીસ મથકમાં જામનગર જીલ્લાનો સૌ પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સહિત કુલ ૪૯ આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે અને તમામને જેલ હવાલે કરાયા છે.
જે તમામ આરોપીઓ વગેરે સામે પોલીસ દ્વારા જામનગરની અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનું નામ ખૂલ્યું હોવાથી તેને ફરારી દર્શાવાયો છે. સાથોસાથ જામનગરના રેવન્યુ પ્રેક્ટિસ એડવોકેટ હિતેન અજુડિયાનું પણ ફરારી આરોપી તરીકે નામ જાહેર કરાયું છે, અને કુલ હજુ ૬૨ આરોપીઓ ફરારી જાહેર કરાયા છે. જે તમામની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.