બોગસ જમીન ફાળવણીના હુકમો અને સનદ સહિતના દસ્તાવેજોના આધારે હાઈવે ટચ કિંમતી ૫૦૦ વાર જેટલી જમીન હડપ કરી વેંચી નાખવાના કાવતરા સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ
રાજકોટ ગોંડલ હાઈવે ઉપર કાંગસીયાળી ગામ પાસે આવેલી અંદાજે રૂા.અઢી કરોડની જમીન બોગસ જમીન ફાળવણીના હુકમો અને સનદ સહિતના દસ્તાવેજોનો આધારે વેંચી મારવાનું કૌભાંડ ગ્રામ્ય પ્રાંત ચરણસિંહ ગોહિલે ખુલ્લુ પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ જમીન સરકારી હોય તેને વેંચી મારવા માટે શખ્સોએ બોગસ દસ્તાવેજો તૈયાર કરીને કૌભાંડ આચર્યુ હતું. જો કે, આ કૌભાંડ ગ્રામ્ય પ્રાંત અને લોધીકા મામલતદારની સતર્કતાથી ખુલ્લુ પડ્યું છે.
લોધીકા તાલુકાના કાંગસીયાળી ગામની રૂડા વિસ્તારની રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલી ૫૦૦ વાર જેટલી જગ્યા સરકારની માલીકીની હોવા છતાં આ જમીનના માલીક હોવાના બનાવટી આધારો દ્વારા ભાવિનભાઈ જીવણભાઈ દેલવાડીયા (રહે.નહેરુનગર શેરી નં.૩, નાના મવારોડ, ૧૫૦ ફૂટ રીંગરોડ)વાળાએ મામલતદાર લોધીકાના જમીન ફાળવણીના હુકમો, સનદ તથા પ્રાંત અધિકારી ગ્રામ્યના પત્રો અને સરકારમાં રકમ ભરપાઈ થયાના ચલણની નકલો બનાવટી અને ખોટી રીતે વેંચાણ દસ્તાવેજ ઉભો કરી તથા બનાવટી કબુલાત નામા ઉપરાંત બનાવટી હુકમો ઉભા કરી કિંમતી સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ આચર્યું હોવાનું ધ્યાને આવતા ગ્રામ્ય પ્રાંત ચરણસિંહ ગોહિલે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવટી દસ્તાવેજો દેલવાડીયા ભાવીનભાઈ જીવણભાઈના નામે થયેલ હોય તેઓનું ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ આ જમીન બુટાભાઈ હિરાભાઈ ગાંગડીયા દ્વારા તેઓને ચુકતે અવેજ મેળવી રૂા.૧૦૦ સ્ટેમ્પ ઉપર નોટરાઈઝ વેંચાણ કરાર કરી આપેલ છે તેમ સરકારી જમીન ગેરકાયદેસર રીતે બનાવટી કાગળો ઉભા કરી વેંચવાના કામે મદદગારી કરનાર બે વ્યક્તિઓ મુનાભાઈ ભરવાડ તથા દિલાવર ખાનના નામો તથા અન્ય અજાણ્યા ઈસમો હોવાનું સામે આવ્યું છે.
આ કૌભાંડ સામે કાર્યવાહીમાં લોધીકા મામલતદાર જે.આર.હિરપરા, રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરીના શિરસ્તેદાર એમ.ડી.રાઠોડ, નાયબ મામલતદાર આર.કે.કાલીયા, કલાર્ક અરવિંદ કુગશીયા, મેજીસ્ટેરીયલ કલાર્ક અલ્પેશ પાવરા તેમજ લોધીકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર હિરેનભાઈ મકવાણા, કાંગસીયાળીના રેવન્યુ તલાટી કાજલબેન સોની તથા સર્વેયર કીરીટભાઈ અગ્રાવત જોડાયા હતા.
કાંગસીયાળી પાસે ૨૧૫૧ ચો.મી. સરકારી જગ્યામાં અનેક દબાણ
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ઉપર કાંગસીયાળી પાસે ૫૦૦ વાર જગ્યાના બોગસ દસ્તાવેજ તૈયાર કરીને તેને વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. વધુમાં આ ૫૦૦ વાર જમીન નજીક કુલ ૨૧૫૧ ચો.મી. સરકારી જમીન છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ સરકારી જમીનમાં અનેક દબાણો આવેલા છે. ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ દબાણો સામે લાલ આંખ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો સામે ફોજદારી
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના આદેશથી આ કૌભાંડમાં સંડોવાયેલા મુન્નાભાઈ ભરવાડ તથા દિલાવર ખાન તેમજ અન્ય શખ્સો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે શાપર પોલીસ મથકે લોધીકા મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેથી હવે આ શખ્સોની ધરપકડ કરીને પોલીસ દ્વારા કૌભાંડમાં વિશેષ તપાસ કરવામાં આવશે.